ઝઘડિયા તાલુકાના ઉમલ્લામાં રવિવારે રેતી ભરેલા હાઇવાએ દુકાન બહાર પાર્ક કરેલા વાહનોને અડફેટમાં લીધા હતા જેમાં બે વાહનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત કરીને ભાગેલા હાઇવા ચાલકને લોકોએ પીછો કરીને ઝડપી લીધો હતો અને પોલીસને સોપ્યો હતો.ઉમલ્લા ગામે રેતી ભરેલ હાઈવા ટ્રકના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે. રેતી ભરેલા ભારે વાહનો બેફામ રીતે દોડતા હોવાથી અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. જેને લઈ સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે.
રવિવારે રાત્રી ના સમયે પાણેથા તરફ્થી રેતી ભરેલી એક હાઈવા ટ્રક ઉમલ્લા ચાર રસ્તા તરફ જઈ રહી હતી. તે દરમિયાન રેલવે ફાટક નજીક આવેલ દુકાનદારોની બહાર પાર્ક કરેલી એક એક્ટીવા અને એક બાઈકને ટ્રકે અડફેટે લીધી હતી. ટ્રક ની ટક્કરે બંને વાહનોનો ભારે નુકસાન થયું હતું. અકસ્માત કરી ચાલક ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે સ્થાનિક લોકોએ ટ્રકનો પીછો કરી તેને રોકી ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો. ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને ટ્રક ચાલકને પોલીસ સ્ટેશન લઈ જઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રોજબરોજ રેતીના વાહનોના કારણે થતાં અકસ્માતોને લઈ સ્થાનિક લોકોએ પોલીસ તથા વહીવટી તંત્રને આ બાબતે ગંભીરતાથી પગલાં લેવા અને રેતી ભરેલ ટ્રકો પર કડક નિયંત્રણ મૂકવાની માંગ કરી છે.


