ભરૂચ SOGએ નબીપુર નજીક આવેલા માંચ ગામમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. મળેલી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન રૂ. 11.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
રહેણાંક મકાનના વાડામાં જ ગાંજાના છોડ ઉગાડતા ઝડપાયો
ચોક્કસ બાતમીના આધારે SOG ટીમે માંચ ગામના જુના ભીલવાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનના વાડામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી 22.400 કિલો ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા, જે ગેરકાયદેસર ખેતીનો પુરાવો પૂરતા હતા.
જીવણ વસાવા સામે NDPS હેઠળ ગુનો
આ ગેરકાયદેસર ખેતી પાછળ જીવણ વસાવા નામનો આરોપી સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. SOGએ તેને ઘટનાસ્થળેથી જ કાબૂમાં લેતાં નબીપુર પોલીસ મથકે તેના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ અભિયાન હેઠળ કડક પગલાં
ભરૂચ પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લામાં નશાની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે ‘No Drugs in Bharuch’ અભિયાન હેઠળ સતત કાર્યવાહી ચાલુ રહેશે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો—- Gujarat Flashback 2025 : આ વર્ષે ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસની અસરકારક કામગિરી, કરોડો રુપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું


