ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પતિ-પત્ની લગ્નપ્રસંગોમાં જઈને મહેમાનોના વાહનોની ચોરી કરતું હતું. અંકલેશ્વરની પાનોલી પોલીસે આ ચોર ટોળકીનો પર્દાફાશ કરી તેમની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પતિ-પત્ની અને ઓપરેશન ડાન્સ
આરોપી પતિ-પત્ની લગ્ન સમારોહમાં મહેમાન તરીકે જતા અને નાચ-ગાનમાં જોડાઈને વિશ્વાસ કેળવતા હતા. ત્યારબાદ, તક મળે ત્યારે પ્રસંગમાં આવેલા મહેમાનોની બાઇકની ચોરી કરીને ફરાર થઈ જતા હતા. આ કપલે સુરતના કોસંબા, પલસાણા અને અંકલેશ્વર વિસ્તારમાં બાઇક ચોરીના ચાર જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.
4 બાઇક સહિત કુલ રૂપિયા 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત
આ મામલે પોલીસે આરોપી અમન મૂલતાની, તેની પત્ની આરતી મૂલતાની, અને તેમના અન્ય એક સાગરીત ગૌતમ પઠારેની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરેલી 4 બાઇક સહિત કુલ રૂપિયા 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પતિ-પત્ની અને તેના સાગરીતની ધરપકડથી લગ્ન પ્રસંગોમાં થતી વાહન ચોરીના અનેક ભેદ ઉકેલાયા છે.


