- ભરૂચ પંથકમાં શોષણ કરતા વ્યાજખોરો બેફામ બન્યા
- બ્રિજ પર દોરડાના સહારે લટકી રહેતા વેપારીનો જીવ બચી શકયો
- ભડકોદરાના વેપારીને પોલીસે બચાવી લીધો હતો.
ભરૂચ જિલ્લામાં વ્યાજખોરો બેફામ પણે ગરીબ અને શ્રામજીવી લોકોનું આર્થિક રીતે શોષણ કરી તેમને શારિરીક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે. આવો જ એક કિસ્સો હાલમાં જ સપાટી પર આવ્યો છે જેમાં દાદાગીરીથી ઉઘરાણી કરનારાઓએ ગરીબ વ્યકિતને ગોલ્ડન બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદભાગ્યે આ ગરીબ વ્યકિત દોરડાના સહારે લટકી રહ્યો હતો, જેના કારણે તેનો જીવ બચી શકયો હતો.
આ બનાવ અંગે વધુ વિગતે જોતા સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમણે બ્રિજ પર એક મોટર સાયકલ જોઈ હતી. ત્યારબાદ અંકલેશ્વર જઈ કામ પુર્ણ કરી પરત ફરતા તે મોટરસાયકલ ત્યાં જ મુકેલી જણાઈ હતી અને તેની સાઈટ સિગ્નલ લાઈટ ચાલુ હતી. જેના કારણે શંકા જતા નીચે નદી તરફ જોતા એક વ્યકિત દોરડા વડે લટકેલો જણાયો હતો. જેથી ધર્મેશ સોલંકીએ તેમના સાથી કાર્યકરો સાથે તેને બચાવવા પ્રયાસ કરતા પ્રથમ આ વ્યકિત નદીમાં પટકાયો હતો. ત્યારબાદ નાવિકોએ તેને બચાવી લીધો હતો.
આ યુવાન સાથે વાતચીત દરમ્યાન એવી માહિતી મળી હતી કે, તે અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ખાતે મોબાઈલની દુકાન ધરાવે છે તેમજ તેનું નામ રવિન્દ્ર શા છે. આ પરપ્રાંતિય તેના કહેવા મુજબ તખતસિંહ સરદાર પાસેથી રૂા.5 લાખ વ્યાજે લીધા હતા, પરંતુ નાણાં ન આપી શકવાના કારણે કોઈ અજાણ્યા માણસો દ્વારા રવિન્દ્ર શાને મોટર સાયકલ પર ઉંચકી લવાયો હતો. એમ તેણે જણાવ્યુ હતુ. બ્રિજ પર આવ્યા બાદ તેને નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પરંતુ તેના હાથમાં દોરડુ આવી જતા તે બે કલાક જેટલા સમય દરમ્યાન દોરડા વડે લટકી રહ્યો હતો અને બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો હતો. જે બૂમો સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેના કાર્યકરોએ સાંભળી તેને બચાવી લીધો હતો. નદીમાં પડેલા આ યુવાનને સારવાર માટે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે.
દોરડુ કેવી રીતે સહારો બન્યું
ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ કે કેબલ બ્રિજ પરથી અવારનવાર દુઃખી માણસો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હોય છે. જેના પગલે સેવાભાવી નાવિકો દ્વારા તાળ સાથે ઠેક ઠેકાણે દોરડા લટકાવી દેવામાં આવ્યા છે. આવા લટકાવેલા દોરડા નદીમાં ઝંપલાવનાર વ્યકિતના હાથે પકડાઈ જાય અને તે દોરડા પર લટકી જાય તેમજ નાવિકોના નજરે પડે તો તેનો જીવ બચાવી શકાય તેવા આશય સાથે નાવિકોએ ઠેક ઠેકાણે દોરડા લટકાવ્યા છે. જેનો લાભ રવિન્દ્ર શાને મળ્યો હતો.


