ભરૂચ જિલ્લામાં હાંસોટ નજીક સુરતને જોડતા માર્ગ ઉપર આવેલો બ્રિજ જર્જરિત થતાં કલેક્ટરે જાહેરનામું પ્રસિધ્ધ કરીને આ પુલ ઉપરથી બસ, ટ્રક સહિતના હેવી વાહનોને પસાર થવા માટે પ્રતિબંધ મુકી દીધો છે. આ જાહેરનામાને બે મહિના થયા પરંતુ તેનો અમલ થતો નથી. આ જર્જરિત બ્રિજ ઉપરથી રોજ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને લઇ જતી બસો વિદ્યાર્થીઓના જીવના જોખમે પસાર થઇ રહી છે. તેમ છતા સ્કૂલ, કોલેજના સંચાલકો અને તંત્ર આ તમાશો જોયા કરે છે.હાંસોટ થી સુરત જવા માટે એક માત્ર રસ્તા ઉપરનો પુલ જર્જરીત થતાં તંત્ર દ્વારા મોટા વાહનો માટે છેલ્લા બે માસથી પુલ બંઘ કરવામાં આવ્યો છે અને તે ક્યારે ચાલુ થશે તે પણ નક્કી નથી ત્યારે આજે સુરત જીલ્લા સમાહર્તા એ જાહેર કરેલ જાહેરનામાની મુદત પૂર્ણ થાય છે અને તેને ફરીવાર એક માસ માટે ભારે વાહનો માટે બંઘ કરવામાં આવે તેમ લાગી રહ્યું છે.
બે માસમાં પુલનું કોઈ કાર્ય થયું નથી તેની કોઈ શરૂઆત પણ થઈ નથી એટલે હાંસોટના લોકોની તકલીફ્નો હાલ કોઈ ઉકેલ આવે તેમ લાગી રહ્યું નથી. આ બઘાની વચ્ચે અમુક ભારે વાહનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને લઇ જતી સ્કુલ – કોલેજની બસો બેરોકટોક ચાલી રહી છે. લક્ઝરી બસો પણ આ જ પુલ ઉપરથી ચાલી રહી છે આ વાહનોને પરવાનગી કોણે આપી..?એસ ટી બસ બંઘ છે અને રોજના અપડાઉન કરનારા ને વઘારે નાંણાં ચુકવી નોકરી ધંધે જવાની ફરજ પડે છે.


