- ક્વાર્ટર્સનો સ્લેબ તોડી પાડવા આદેશ
- એજન્સી દ્વારા સ્વખર્ચે દુર કરવામાં આવશે
- ટેન્ડર પ્રમાણેની ક્વોલિટી મુજબ કામ થશે
મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા વિકાસના કામમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા કામમાં કરેલી બાંધછોડ ભારે પડી છે. કમિશનરે ચાર્જ છોડતાના અંતિમ દિવસે નબળી ક્વોલિટીના ચાલુ કામે રોડ અને સ્ટાફ ક્વાર્ટર્સનો સ્લેબ તોડી પાડીને ફરી વખત કામ કરવા એજન્સીઓને આદેશ કર્યો છે.
DLCનું કામ વર્ક એજન્સી દ્વારા સ્વખર્ચે દુર કરવામાં આવશે
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરમાં દુઃખીશ્યામ બાપા સર્કલ (તળાજા જકાતનાકા) થી અધેવાડા થઇ મહાનગરપાલિકાની હદ સુધીના ફોર લેન PQC રોડ બનાવવાનું કામમાં વર્ક એજન્સી DLCનું આશરે ૯૫ મીટરનું કામ યોગ્ય પદ્ધતિ (મેથોડોલોજી/સ્પેસીફીકેશન)થી DLC કામ કરવામાં આવતું ન હોવાથી, દુઃખીશ્યામ બાપા સર્કલથી ટોપ-૩ તરફ જતા જમણી તરફ સ્થળ પર થયેલ અંદાજીત ૯૫ મીટરનું DLCનું કામ વર્ક એજન્સી દ્વારા સ્વખર્ચે દુર કરવામાં આવશે.
સ્ટાફ માટેના કવાટર્સનું બાંધકામ ચાલુ
આ ઉપરાંત નિર્મળનગર ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુની જગ્યામાં ફાયર વિભાગના સ્ટાફ માટેના કવાટર્સનું બાંધકામ ચાલુ છે. કામની ચકાસણી અર્થે થયેલ આર.સી.સી. કામના જરૂરી ટેસ્ટીંગ વર્ક એજન્સીના ટેકનિકલ સ્ટાફની હાજરીમાં થયેલ “ટેસ્ટ” ના અમુક સેમ્પલમાં નબળી ગુણવત્તાના હોવાનુ બહાર આવ્યું છે. આ કામની વખતો વખત ચકાસણીના રીપોર્ટ અન્વયે “ટેસ્ટમાં ફેઇલ ગયેલ સ્લેબનો ભાગ તેમજ કોલમને સ્ટ્રકચરલ ઇજનેરની સુપરવિઝન તેમજ સલાહ મુજબ તોડી નાખી રી-કાસ્ટ કરવા” વર્ષ એજન્સીને હુકમ કરવામાં આવ્યો છે.
સ્લેબ તોડીને નવો કરી આપવા માટે આદેશ
નોંધનીય છે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર સિવિલ વર્કના અનુભવી હોવાથી તેઓએ બદલીના અંતિમ કલાકોમાં બંને કામોમાં કોઈપણ જાતની બાંધછોડ કર્યા વગર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપીને રોડ તેમજ સ્લેબ તોડીને નવો કરી આપવા માટે આદેશ કર્યો છે.