- ભાજપ સાથે ગઠબંધન કરશે NCP
- એનસીપી નેતા પ્રફુલ પટેલે કરી જાહેરાત
- અત્યાર સુધી કોંગ્રેસ સાથે લડી છે ચૂંટણી
લોકસભા ચૂંટણીને લઈને દરેક રાજ્યોમાં રાજકીય શતરંજ ગોઠવાઈ રહી છે. કોંગ્રેસ પણ તેના ઈન્ડિયા બ્લોક સાથે તૈયાર છે, પરંતુ આ દરમિયાન કોંગ્રેસને ગુજરાતમાં એક મોટો આંચકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસની પરંપરાગત સાથી પાર્ટી એવી NCP એ આ વખતે ભાજપ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે.
મહત્વનું છે કે થોડા મહિના અગાઉ શરદ પવારની પાર્ટી એવી NCPમાં ઊભી ફાડ થઈ ગઈ હતી. તેમના ભત્રીજા અજિત પવારના નેતૃત્વમાં NCPના ઘણાં મહારાષ્ટ્રના ધારાસભ્યો, કાર્યકર્તાઓ અને મોટા નેતાઓએ ભાજપના નેતૃત્વ હેઠળના NDA સાથે ગઠબંધન કરી લીધું હતું અને અજિત પવાર પોતે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની NDA સરકારમાં જોડાઈ ગયા હતા. તેમની સાથે 8 અન્ય ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા અને અજિત પવાર મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ બન્યા હતા.
જેથી હાલમાં અજિત પવારના નેતૃત્વ હેઠળની NCPના નેતા પ્રફુલ પટેલ હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે આ પ્રકારની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં અમારી પાર્ટીનો દાયરો ઘણો જ સીમિત છે અને લોકસભા ચૂંટણીઓમાં તો પાર્ટી એક કે 2 સીટો પર જ ચૂંટણી લડતી આવી છે અને વિધાનસભામાં પણ સીમિત સંખ્યાઓમાં જ અમે ચૂંટણી લડી છે, પરંતુ હાલમાં અમારી પાર્ટી NDA માં ભાજપની સાથે હોવાથી આ વખતે અમે ભાજપ સાથે લોકસભા ચૂંટણી લડીશું. સીટ શેયરિંગને લઈને પ્રશ્ન પૂછાતા તેમણે જણાવ્યું હતું કે હજુ લોકસભા ચૂંટણીને સમય છે અને તેની પહેલા અમુક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ બાકી છે તેથી થોડા સમય પછી ચર્ચાઓ થશે અને અમે થોડી સીટોની જ માગ કરીશું
મહત્વનું છે કે આ પહેલા NCP ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડતી આવી છે અને આ ગઠબંધન વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પણ યથાવત્ રહેતું હતું, જો કે લોકસભા 2024ની ચૂંટણીઓ પહેલા આ કોંગ્રેસ માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.