- મુંબઈમાં ઝડપાયેલા 800 કરોડનું લિક્વિડ ડ્રગ્સના તાર દુબઈ સાથે સંકળાયેલા
- મુંબઈના ભિવંડીમાંથી 2 ભાઈઓની 800 કરોડના લિકવિડ MD ડ્રગ્સ સાથે ધરપકડ
- બંને ભાઈઓ છેલ્લા 8-9 મહિનાથી આ કામ કરી રહ્યા હતા
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. જેમાં મુંબઈના ભિવંડીમાંથી 2 ભાઈઓની 800 કરોડના લિકવિડ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગત મહિનામાં સુરતથી 51 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીઓની તપાસમાં મુંબઈના ભિવંડીનું કનેક્શન એટીએસને મળ્યું હતું.
બંને ભાઈઓ મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ
મુંબઈમાં ઝડપાયેલા 800 કરોડનું લિક્વિડ ડ્રગ્સના તાર દુબઈ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ કરી છે. એટીએસની ગિરફતમાં આવેલા આ બંને ભાઈઓનું નામ મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ છે.એટીએસને માહિતી મળી હતી કે ભિવંડીના ચીંચબંદર વિસ્તારમાં આ બંને ભાઈઓ ફ્લેટ ભાડે રાખી MD ડ્રગ્સ બનાવે છે અને માહિતીના આધારે દરોડા પાડીને ત્યાંથી 10.969 કિલો સેમી- લીકવિડ એમડી અને 782 કિલો બેરલોમાં ભરેલ લીકવિડ એમડી ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.
ગ્સની અંદાજિત આંતરરાષ્ટ્રીય કિંમત 800 કરોડ રૂપિયા
આ ડ્રગ્સની અંદાજિત આંતરરાષ્ટ્રીય કિંમત 800 કરોડ થાય છે. સાથે જ ત્યાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને સાધનો પણ મળી આવ્યા છે. તપાસ દરમિયાન આ ફેક્ટરીનું કનેક્શન પણ અગાઉ 18 જુલાઈએ સુરતના પનૌલીમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી સાથે સામે આવ્યું છે. જેમાં ઝડપાયેલા આરોપી સુનિલ યાદવની તપાસમાં આ ફેક્ટરી મળી આવી છે.
દુબઈમાં રહેતા એક વ્યક્તિએ બંને ભાઈઓને રૂપિયાની લાલચમાં MD ડ્રગ્સ બનાવવાની ફોર્મ્યુલા આપી
સુરતના પનોલીની ડ્રગ્સ ફેક્ટરીનો મુખ્ય આરોપી સુનિલે મુંબઈના ભિંવડીમાં પણ મટીરીયલ મોકલ્યુ હોવાથી એટીએસે ફ્લેટમાં રેડ કરી, ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી હતી. જોકે એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોહમ્મદ યુનુસ અગાઉ દુબઈમાં રહીને ગોલ્ડ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સ્મગ્લિંગ કરતો હતો અને તેને દુબઈમાં રહેતા મનોજ નામના વ્યક્તિએ બંને ભાઈઓએ રૂપિયાની લાલચમાં MD ડ્રગ્સ બનાવવાની ફોર્મ્યુલા આપી અને લોકલ મદદ કરી હતી. પકડાયેલ બંને ભાઈઓની પુછપરછમાં સામે આવ્યું કે છેલ્લા 8-9 મહિનાથી આ કામ કરી રહ્યા છે, પરંતુ બે વાર નિષ્ફળ પણ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં તૈયાર ડ્રગ્સ મુંબઈમાં મોટા ડ્રગ પેડલરોને વેચવાની તૈયારી કરી હતી. જો કે મનોજની તપાસ કરતા તૈયાર ડ્રગ્સ અન્ય કોઈ દેશમાં પણ સપ્યાલ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે મામલે હાલ એટીએસે ફરાર આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.