- ચેરીબેટ અને મેજીક એક્સચેન્જ IDના સર્વર USAમાં મળ્યા
- કંપની પાસે ક્રાઇમ બ્રાન્ચે મેઈલ કરી ડેટાની માંગણી કરી
- ત્રણેય બુકી આરોપી UKની કંપનીના સીમકાર્ડ ઉપયોગ કરતા
રાજકોટમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ક્રિકેટ સટ્ટા માટે ઉપયોગમાં લેવાતા IDના સર્વર USAમાં મળ્યા છે. તેમાં ચેરીબેટ અને મેજીક એક્સચેન્જ IDના સર્વર USAમાં મળ્યા છે. કંપની પાસે ક્રાઇમ બ્રાન્ચે મેઈલ કરી ડેટાની માંગણી કરી છે.
ત્રણેય બુકી આરોપી UKની કંપનીના સીમકાર્ડ ઉપયોગ કરતા
ત્રણેય બુકી આરોપી UKની કંપનીના સીમકાર્ડ ઉપયોગ કરતા હતા. તેજસ રાજદેવ સહિત ત્રણેય સામે લુક આઉટ નોટિસ ઈસ્યુ કરાશે. વિદેશી ભાગી ના જાય તે માટે લુક આઉટ નોટિસ ઈસ્યુ કરાશે.
મસમોટા ક્રિકેટ સટ્ટા બેટિંગના રેકેટનો પર્દાફાશ
પહેલી વખત પોલીસ તંત્રએ હિંમત દાખવી મસમોટા ક્રિકેટ સટ્ટા બેટિંગના રેકેટનો પર્દાફાશ કરી મોટા માથાઓના નામ જાહેર કર્યા છે ત્યારે ક્રિકેટ સટ્ટોડીયાઓમાં સોંપો પડી ગયો છે. રાજકોટ શહેર પોલીસ તંત્ર માટે આવકનું સાધન ગણાતા ક્રિકેટ સટ્ટા બેટિંગ સામે પોલીસ તંત્ર વર્ષોથી આંખ આડા કાન કરી રહ્યું છે. જેમાં અગાઉ ક્રાઈમ બ્રાંચે ચોક્કસ બાતમીના આધારે સૌ પ્રથમ એસ્ટ્રોન ચોકમાં આવેલ ફોર પ્લસ બિલ્ડીંગ ઓફિસ નં.306માં છાપો મારીને સત્યસાંઈ હોસ્પિટલ પાસે રહેતા સટ્ટોડીયા સુકેતુ કનૈયાલાલ ભુતા (ઉં.45)ની ક્રિકેટ મેચ પર આઈ.ડી.ઓ ફોરવર્ડ કરી જુગાર રમાડતો હોવાનું બહાર આવતા પોલીસે રોકડા રૂ. 11,65,200 અને મોબાઈલ ફોન મળી 11.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસે છાપો મારી ભાવેશ ખખ્ખરની ધરપકડ કરી
પોલીસની પુછપરછમાં સુકેતુ ભુતા નામચીન બુકી નિરવ દીપકભાઈ પોપટ, અમીત ઉર્ફે મોન્ટુ (ખમણ) દીપકભાઈ પોપટ અને પી.એમ.આંગડીયાના સંચાલક તેજસ રાજુભાઈ રાજદેવ પાસે ક્રિકેટ સટ્ટાની કપાત કરાવતો હોવાનું બહાર આવતા પોલીસે મોટાગજાના ત્રણેય બુકીઓ સામે પણ ગુનો દાખલ કર્યો હતો. બીજી બાજુ સુકેતુ ભુતાની આકરી પુછપરછમાં તેણે ભુપેન્દ્ર રોડ શાલીગ્રામ એપાર્ટમેન્ટ રહેતા ભાવેશ અશોકભાઈ ખખ્ખરને આઈ.ડી.આપેલ હોય પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસે છાપો મારી ભાવેશ ખખ્ખરની ધરપકડ કરી તેની પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આ ઉપરાંત નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી નિશાંત હરેશભાઈ ચગની પણ ધરપકડ કરી તેની પણ ક્રિકેટ મેચની આઈ.ડી.આપેલ હોય તેનો મોબાઈલ કબજે કર્યો હતો. તેમજ આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.


