ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તર પર નિતીન નબીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. જે બાદ હવે બિહારની પણ નવા નેતાને સોંપવામાં આવી છે. પૂર્વ મંત્રી અને દરભંગા શહેરમાંથી ધારાસભ્ય સંજય સરાવગીને બિહાર ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.
બિહારની કમાન કોના હાથમાં?
બિહાર ભાજપને એક નવા નેતા મળી ગયા છે. પાર્ટીએ સંજય સરાવગીને રાજ્યની જવાબદારી સોંપી છે. સરાવગીને રાજ્યના અનુભવી નેતાઓમાંના એક માનવામાં આવે છે. તેઓ દરભંગા વિધાનસભા બેઠક પરથી ઘણી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં સક્રિય છે અને ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના સભ્ય પણ રહ્યા છે.
2005માં પહેલીવાર દરભંગા પરથી ચૂંટાયા હતા
સંજય 1995 માં ભાજપમાં જોડાયા હતા. 2003 માં તેમણે દરભંગા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી વોર્ડ કાઉન્સિલરની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. તેમનો જન્મ 28 ઓગસ્ટ, 1969 ના રોજ બિહારમાં થયો હતો. સંજયે મિથિલા યુનિવર્સિટીમાંથી એમ.કોમ અને એમબીએ કર્યું છે. સંજય 2005 માં પહેલી વાર દરભંગા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ કરાયા જાહેર
ત્યારબાદ તેમણે 2010, 2015, 2020 અને 2025 માં વિધાનસભા ચૂંટણી જીતી હતી. સંજયે 2025 ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેશ સાહનીને મોટા અંતરથી હરાવ્યા હતા. રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવાયું છે કે ભાજપના ધારાસભ્ય સંજય સરાવગીને તાત્કાલિક અસરથી બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ જાહેર કરવામાં આવે છે.


