RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ
આજે ૧૨ વોર્ડના ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા, આવતીકો બાકીના વોર્ડના ઇચ્છુકોને સાંભળશે નવ નિરીક્ષકો
બે દિવસ ભાજપ કાર્યાલયે ચાલશે સેન્સ પ્રક્રિયા : વોર્ડ વાઇઝ ૫૦થી વધારે લોકોએ નોંધાવી દાવેદારી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકની નિમણુંક કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આજે દાવેદારી કરવા માટે દરેક વોર્ડમાંથી 50 કરતા વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે આવી રહ્યા છે. 9 નિરીક્ષકમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ, જીમેશભાઈ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશભાઈ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળી 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. સેન્સ પ્રક્રિયા માટે શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં દરેક વોર્ડ વાઈઝ ચોક્કસ સમય આપવામાં આવ્યો છે, જે આપેલા સમય મુજબ વોર્ડના દાવેદારો સમયસર ઉપસ્થિત રહી કાર્યાલય ખાતે વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીને સાથે રાખી ફોર્મ મેળવી રહ્યા છે.
આ માટે સક્રિય સભ્ય નંબર અને કોર્પોરેશનની મતદારયાદીના ભાગ ક્રમ નંબર તેમજ ચુંટણી કાર્ડ સાથે રાખવા સુચના આપવામાં આવી છે. એટલું જ નહી આરક્ષિત સીટ માટે પ્રમાણપત્ર, ભુતકાળમાં કોઈ પણ જાતના ગુના હોય તો પોલીસ વિગત કે રિપોર્ટ સાથે જોડવું જરૂરી છે. નિરીક્ષકો સમક્ષ માત્ર વ્યક્તિગત રજૂઆત જ કરવાની રહેશે. સમર્થકોના જૂથ સાથે રજૂઆત કરવા મનાઈ ફરમાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાપાલિકાની આગામી ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી ઉમેદવારો અંગેનો ક્રાઈટેરિયા જાહેર કર્યો નથી, પરંતુ પક્ષના વર્તુળોમાં ચર્ચા મુજબ ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂક્યા હોય, 60 વર્ષથી વધુની ઉંમર હોય, સંગઠનમાં મહત્વના પદ ઉપર હોય તેને ટિકિટ નહીં અપાય તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે હજુ સુધી આ પરિપ્રેક્ષ્યની સત્તાવાર જાહેરાત ન થઈ હોવાથી સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના સક્રિય સભ્ય હોય તેવા કોઈ પણ વ્યક્તિ દાવેઘરી કરી શકશે. જ્યારે પક્ષની સક્રિય સભ્યની વ્યાખ્યા એવી છે કે જેમણે ઓછામાં ઓછા 100 સભ્ય બનાવ્યા હોય તેને સક્રિય સભ્ય કહેવામાં આવે છે.
વર્ષ 2021ની ગત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત સાથે રાજકોટ મનપામાં શાસન કર્યું હતું. આ ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા માત્ર 12 કોર્પોરેટરને જ રિપીટ કરવામાં આવ્યા હતા અને બાકીના 60 નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા આમ છતાં 72 પૈકી 68 બેઠક પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી.
એક માત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ચાર ઉમેદવારો જીત્યા હતા. જો કે વોર્ડ નંબર 15માં ભાજપ અત્યાર સુધી કોઈ ચૂંટણીમાં જીત મેળવી શક્યું નથી. પરંતુ આ વખતે પ્રદેશ ભાજપ દ્વારા યુવા પ્રમુખ ડો. માધવ દવેને વોર્ડ નંબર 15માં જીત મેળવવા પડકાર આપ્યો છે. જેમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન તેના પર સૌની નજર રહેશે.
વિવાદિત અનિલ મકવાણાના પત્નીએ નોંધાવી દાવેદારી
રાજકોટ મનપાની ચૂંટણીને લઇ ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં આજે વોર્ડ નંબર 2માંથી બાલુબેન અનિલભાઈ મકવાણાએ દાવેદારી કરી છે. બાલુબેન મકવાણા પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના પત્ની છે અને અનિલભાઈ મકવાણા સામે તાજેતરમાં ભ્રસ્ટાચારના આક્ષેપો થયા હતા અને તેઓ બાંધકામની સાઈટ ઉપર અરજી કરી બાદમાં રૂપિયાની માંગણી કરતા હોવાના આક્ષેપો પણ થયા હતા. જો કે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં બાલુબેનએ જણાવ્યું હતું કે પતિ સેમ થયેલ આક્ષેપ વિષે હું કશું જાણતી નથી પરંતુ અમે 20 વર્ષથી પાર્ટી સાથે સંકળાયેલા છીએ પાર્ટીનું કામ કરીએ છી માટે આજે મેં દાવેદારી નોંધાવી છે અને ટિકિટ મળે તેવી અપેક્ષા છે.
પૂર્વ મેયર સહિતના પણ લડવા ઇચ્છુક
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે દાવેદારી કરવા માટે આજે પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ દંડક મનીષ રાડિયા પહોંચ્યા હતા આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા, નીતિન રામાણી, દિલીપભાઈ લૂણાગરીયા, ડો. અલ્પેશ મોરઝરિયા, અંજનાબેન મોરઝરિયા, દુર્ગાબા જાડેજા, હિરેન ખીમાણીયા, પરેશ લીંબાસીયા, રસીલાબેન સાકરીયા, નેહલ શુક્લ, મીનાબા અજયસિંહ જાડેજા, કંકુબેન ઉધરેજા, પરેશ પીપળીયા, સોનલબેન સેલારા અને આશિષ વાગડીયાએ દાવેદારી કરી છે.


