- ભાજપે શરૂ કરી દીધી છે લોકસભા ચૂંટણીની તૈયારીઓ
- 17-18 ફેબ્રુઆરીના રોજ મળશે કાર્યકારિણીની બેઠક
- કદાવર નેતાઓ સામે નવા ચહેરા ઉતારવાની ભાજપની તૈયારી
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 17-18 ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું આયોજન કરવા જઈ રહી છે. આ બેઠકમાં પાર્ટી આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને રણનીતિ તૈયાર કરશે. દરમિયાન, પાર્ટીએ પણ ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. આશા છે કે બેઠક બાદ પાર્ટી પોતાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરશે.
કદાવર નેતાઓ સામે નવા ચહેરાઓને મળશે તક
ભાજપના એક સિનિયર નેતાનું કહેવું છે કે વિપક્ષી દળોના કદાવર નેતાઓના સંભવિત ચૂંટણી મતવિસ્તાર માટે નવા ચહેરાઓ ઉતારવાની તૈયારી છે. જેમાં, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, કનીમોઇ, અભિષેક બેનર્જી, અધીર રંજન ચૌધરી જેવા નેતાઓ સામે સંભવિત 3-3 ઉમેદવારોના લિસ્ટના અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે.
ઓવૈસી સામે નદીમપલ્લી યમુના પાઠક લડી શકે છે ચૂંટણી
સૌથી પહેલા દક્ષિણ ભારતીય રાજ્યોના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે. તેલંગાણામાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સામે ફાયરબ્રાન્ડ નેતા અને મહિલા મોરચાના પ્રવક્તા નદીમપલ્લી યમુના પાઠકને મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે પૂર્વ ક્રિકેટર એસ. શ્રીસંતને તિરુવનંતપુરમથી શશિ થરૂર સામે ચૂંટણી લડાવી શકાય છે.
ક્યાં અટક્યું ભાજપનું પહેલું લિસ્ટ?
પાર્ટીના ટોચના સૂત્રોએ જણાવ્યું કે 2021-22માં જ પાર્ટીએ એવી લોકસભા સીટોની યાદી તૈયાર કરી હતી જ્યાં પાર્ટીની સ્થિતિ બહુ મજબૂત નથી. આ યાદીમાં એવી 160 બેઠકોનો સમાવેશ થાય છે જ્યાં પાર્ટી ક્યારેય જીતી નથી. ઉપરાંત, જ્યાં છેલ્લી 2019 લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન સારું નહોતું અથવા તે બીજા નંબર પર હતું. તે બેઠકોનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરીમાં જાહેર થવાનું હતું પહેલું લિસ્ટ, પરંતુ…
સૂત્રએ જણાવ્યું હતું કે પાર્ટી જાન્યુઆરીના અંતમાં જ 62 ઉમેદવારોની યાદી જાહેર કરવા જઈ રહી હતી, પરંતુ JDU, અકાલી દળ અને RLDના NDAમાં પરત ફરવાની સંભાવનાને કારણે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. બિહારમાં નીતિશ કુમાર RJD સાથેના મહાગઠબંધનથી અલગ થઈ ગયા અને ભાજપમાં પરત ફર્યા અને 28 જાન્યુઆરીએ ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તો, RLD ચીફ જયંત ચૌધરીએ પણ સોમવારે NDAમાં જોડાવાની જાહેરાત કરી છે. બીજી તરફ અકાલી દળ પણ NDAમાં સામેલ થવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
વિધાનસભા હારેલા સાંસદોને શું પાર્ટી ટિકિટ આપશે?
ગત વર્ષે ડિસેમ્બરમાં મધ્યપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે લોકસભાના સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતારીને નવો પ્રયોગ કર્યો હતો. આ ચૂંટણીઓમાં 21 સાંસદો મેદાનમાં હતા, જેમાંથી માત્ર 12 જ વિજયી થયા હતા. ત્યારથી પાર્ટીની અંદર સવાલો ઉઠી રહ્યા છે કે શું પાર્ટી વિધાનસભા ચૂંટણી હારી ગયેલા સાંસદોને બીજી તક આપશે કે કેમ. આ મુદ્દે પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ભાજપ આ સાંસદોને તેમના લોકસભા મતવિસ્તારોમાંથી ફરીથી ચૂંટણી લડવાની તક નહીં આપે. જો કે, તેલંગાણા વિધાનસભા ચૂંટણી હારી ગયેલા કરીમપુરના સાંસદ બંદી સંજયને પાર્ટી ફરી એ જ બેઠક પરથી મેદાનમાં ઉતારશે. આ સિવાય રાજ્યસભાના એવા સાંસદો કે જેઓ કેન્દ્રીય મંત્રી છે, જેમને પાર્ટી દ્વારા હજુ સુધી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા નથી, તેમને પણ 2024માં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જેમાં ઘણા દિગ્ગજ કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે.


