- સાંસદ ગીતાબેન રાઠવા બોડેલી હોસ્પિટલ પહોંચ્યા
- પીડિત વિદ્યાર્થીનિઓના ખબર અંતર પૂછ્યા
- મેનેજરે બસ શાળાના સમયે શરુ કરવાનું આશ્વાસન આપ્યુ
હજી ગઈકાલે જ સંખેડા તાલુકાની બાળકીઓ સાથે છેડતીની જે ઘટના બની તે મુદ્દે સાંસદ ગીતાબેન રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી. આ ઘટનાને ગંભીર ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું કે, અમારી દીકરીઓ જે સ્કૂલમાં ગઈ હતી અને ઘરે પરત ફરી રહી હતી. એમાં જે ગુનેગારોએ કૃત્ય કર્યું છે આ ખૂબ જ ગંભીર બાબત છે.
સંખેડાના બોડેલી ખાતે ચાલુ પીકઅપ જીપમાં વિદ્યાર્થીનિઓની છેડતી કરવામાં આવી હતી. જે પછી છોકરીઓ જીપમાંથી કૂદી પડી હતી. આ દરમિયાન એક છોકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ માટે પછી સાંસદ ગીતાબેન તેમના ખબર પૂછવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, સરકાર દીકરીઓને ભણાવવા માટે દીકરીઓ આગળ આવે એના માટે કટિબદ્ધ છે. ત્યારે આવા લુખ્ખા તત્વો ગુનેગારો જેમને આ કૃત્ય કર્યું છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય એને કોઈપણ સંજોગોમાં સાંખી ના લેવાય એવી અમે ડિપાર્ટમેન્ટની સાથે વાત કરી પણ છે. આ દીકરીઓને થોડી ઘણી નાની-મોટી ઈજા થઈ છે. એ જલ્દી સાજી થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બસની સુવિધા બાબતે પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બસની સુવિધા ટાઇમ પ્રમાણે ન હતી એની મને વાલીઓ થકી જણ થઈ હતી. જે અંગે ડિપાર્ટમેન્ટ સાથે વાત કરીને બે દિવસમાં બસ ચાલુ કરવાનું કહ્યું છે. એટલે હવે પછી આવી ઘટના ફરી ન બને તેવી અને આશા અપેક્ષા રાખીએ અને આ અંગે પોલીસ વિભાગ સાથે વાત પણ થઈ છે.


