- હત્યાની શંકાએ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
- બુધવારે રાત્રે ઘરેથી ગુમ થયા બાદ મળ્યો મૃતદેહ
- મૃતક પાસે બે ફોન હતા જેમાંથી એક ફોન ગાયબ
બુધવારે રાજકોટના કુવાડવા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. જેમાં માલિયાસણ ગોંડલ બાયપાસ નજીકથી ઘનશ્યામ મેર નામના યુવકનો મૃતદેહ મળ્યો છે. જે પછી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો સહિત સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે ઊમટી પડ્યા છે. જેમાં પોલીસ પર બેદરકારના આરોપ લાગી રહ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, મૃતકના પિતા છગનભાઈ મેર સમાજ સેવક છે. અને તેમની કે તેમના પુત્રની કોઈ સાથે દુશ્મનાવટ હતી નહીં. આમ છતાં જે રીતે શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો છે તેની તટસ્થ તપાસ થવી જરૂરી છે. કોળી સમાજમાંથી બધા લોકો અહીં આવી પહોંચ્યા છે.
ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે દીકરો ગુમ થયો ત્યારે પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે પોલીસે બે-ચાર દિવસમાં આવી જશે, તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. ખરેખર જો ત્યારે પોલીસે તપાસ શરૂ કરી હોત તો આજે અમારો દીકરો જીવતો હોત. ત્યારે સમગ્ર મામલે હવે જવાબદારોને ઝડપી લઈ તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અમારી માગ છે.
નોંધનીય છેકે, નવાગામ વિસ્તારમાં રહેતો મૃતક 32 વર્ષીય ઘનશ્યામ છગનભાઈ મેર નામનો યુવક બુધવાર રાત્રે ઘરે થી જતો રહ્યો હતો. આ બાદ આજે લાશ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવી છે. તેમજ મૃતક પાસે બે ફોન હતા જેમાંથી એક ફોન ગાયબ તો બીજા ફોન માંથી સીમ કાર્ડ ગાયબ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ મામલે હાલ હત્યાની શંકાએ કુવાડવા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હત્યા થયાની આશંકાએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.


