- ‘ગુજરાત ક્રિકેટ એસો.નો એજન્ટ છું’ કહીને લોકોને વિશ્વાસમાં લીધા
- યુવકે ફેસબુક પર જાહેરાત જોઇ ઠગને ફોન કર્યો હતો
- જય શાહ નામના શખ્સે 41 ટિકિટના રૂ.2.68 લાખ ઓનલાઇન પડાવી લીધા
આનંદનગરમાં એક યુવકે ફેસબુક પર ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટ મળશે તેવી જાહેરાત જોઇને ફોન કરીને 41 ટિકિટ બુક કરાવી હતી. યુવકને શખ્સે કહ્યુ કે, તે ગુજરાત ક્રિકેટ એસોસિયેશમાં ટિકિટનો એજન્ટ છે તેમ કહીને જય શાહ નામના શખ્સે 41 ટિકિટના રૂ.2.68 લાખ ઓનલાઇન પડાવી લઇને મેચના આગલા દિવસ સુધી ટિકિટ આપી ન હતી. આ અંગે યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
આનંદનગરમાં મસરીભાઇ ધનાભાઇ કંડોરિયા મિત્રો સાથે ફલેટ ભાડે રાખીને રહે છે. તે પ્રાઇવેટ હોસ્પિટલમાં નોકરી કરે છે. ગત, 22 સપ્ટેમ્બરે મસરીભાઇએ ફેસબુક પર જાહેરાત જોઇ હતી. જેમાં લખેલ કે, ભારત પાકિસ્તાનની મેચની ટિકિટ જેણે જોઇતી હોય તે આપેલ નંબર પર ફોન કરે. આથી મસરીભાઇએ તે નંબર પર ફોન કરતા વ્યકિતે કહ્યુ કે, હું જય શાહ બોલું છુ અને અમદાવાદનો જ છું. ગુજરાત ક્રિકેટ એસોસિયેશમાં ક્રિકેટની ટિકિટનો એજન્ટ છું તેમ કહીને ઓળખ આપી અઢી લાખની ઠગાઈ કરી હતી.