- સારવાર બાદ બાળાની જન્મજાત ખોડ દૂર થઈ
- ગરીબ પરિવારની માસૂમ બાળાનું તાળવું જન્મથી જ કપાયેલું હતું
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસણી કરાવી તો લોહીનું પ્રમાણ ઓછુ થઈ ગયું હતું
બોરસદ તાલુકાના અમિયાદ ગામની એક દીકરીનું તાળવું જન્મથી જ કપાયેલું હતું. જેની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કાશીબા હોસ્પિટલ, વડોદરા ખાતે વિનામૂલ્યે સારવાર કરવામાં આવી છે. અમિયાદના સુનીલભાઈ ચૌહાણની ત્રણ વર્ષની દીકરી રિદ્ધિને જન્મ સમયથી જ તાળવું કપાયેલું હતું. સુનીલભાઈએ જણાવ્યું કે શરૂઆતમાં જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે તેનું વજન વધતું ન હતું અને જ્યારે તે દૂધ પીવે ત્યારે અમને ખબર જ નહોતી પડતી કે તેનું તાળવું કપાયેલું છે. જેથી અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસણી કરાવી તો લોહીનું પ્રમાણ ઓછુ થઈ ગયું હતું.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કાશીબા હોસ્પિટલ, વડોદરા ખાતે રિદ્ધિના કપાયેલા તાળવાની વિનામૂલ્યે શસ્ત્રક્રિયા કરવામાં આવી છે અને અત્યારે અમારી દીકરીને એકદમ સારૂ થઈ ગયું છે અને કોઈ જ તકલીફ નથી તેવું સુનલભાઈ જણાવે છે. સુનીલભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પત્ની ઘરકામ કરે છે. બીજો એક દીકરો અને દીકરી બન્ને નાના છે. સુનિલભાઈ જણાવે છે કે મારી દીકરી રિદ્ધિને જન્મથી જ જોડા સમયમાં તકલીફ હતી તેવું અમને લાગતું હતું કારણ કે તેનાથી દૂધ લેવાતું નહી. સ્થાનિક ડોક્ટરનો સંપર્ક કર્યો તો તેમણે સરકારી દવાખાનામાં બતાવવાની સલાહ આપી.
દીકરીનું વજન અને લોહી પણ ઓછું હતું જેથી ડોક્ટરે જણાવ્યું કે 10 ટકા લોહી થાય અને 10 કિલો વજન થાય ત્યારબાદ તેનું ઓપરેશન કરી શકાય. રાષ્ટ્રીય બાળક સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મારી દીકરી રિદ્ધિને ડોક્ટર ક્રિષ્ના ઠક્કરે સંદર્ભ કાર્ડ ભરીને કાશીબા હોસ્પિટલ, વડોદરા ખાતે એપોઈન્ટમેન્ટ લઈ અમને વડોદરા મોકલ્યા હતા. આ અગાઉ મારી દીકરીને લોહીનું પ્રમાણ માત્ર ત્રણ જ ટકા થઈ જતા સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાસ ખાતે 14દિવસ રાખવામાં આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે 80 ગ્રામ લોહી ચઢાવવામાં આવ્યું અને 45 દિવસ બાદ વજન અને લોહી બન્ને વધ્યા હતા. મારી આવક એટલી નથી કે હું મારી દીકરીનું ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરાવી શકું. આ ઓપરેશન કરવામાં સરકારની આરબીએસકેની ટીમ અને સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ અમને મદદ કરી ના હોત તો હું દેવામાં ડૂબી ગયો હોત. મારી દીકરીને બચાવવા માટે મે વ્યાજે નાણા લીધા હોત અને હું વ્યાજ ભરવામાં જ ડૂબી જાત. એમ સુનીલભાઈએ જણાવ્યું હતું. સુનીલભાઈ ચૌહાણ અમિયાદ ખાતે પોતાના માં-પિતા સાથે રહે છે. તેમના પિતા પણ ખેત મજૂરી કરે છે. તેમના ઘરની આવક એટલી નથી કે તેઓ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી શક્યા હોત.