- બોટાદમાં સ્પાની આડમાં કૂટણખાનું
- પોલીસ વિભાગે ઝડપી પાડ્યું કૂટણખાનું
- સ્પાના મેનેજર સહિત 2ની અટકાયત
બોટાદમાં પોલીસ વિભાગે આજે સપાટો બોલાવ્યો હતો, શહેરમાં સ્પા કલ્ચરની આડમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલતા હોવાની બાતમીના આધારે એક સ્પામાં દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
હાલમાં ગુજરાતમાં અનેક શહેરોમાં સ્પા અને મસાજ સેન્ટરોનો રાફડો ફાટ્યો છે. ઘણીવાર આ સ્પામાં મસાજ પાર્લરના નામની આડમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલતા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ બંગાળ, નોર્થ ઈસ્ટ, મુંબઈ, દિલ્હી, પુણે, બેંગ્લોર જેવા મોટા સીટી અને દેશના અન્ય પ્રાંતોથી યુવતીઓને અહીં નોકરીના બહાને લાવી તેમના પાસેથી અનૈતિક કાર્યો કરાવી તેમનું શોષણ કરવામાં આવે છે. આજના સમયમાં આ અનૈતિક કાર્યોને ઢાંકવા માટે સ્પાના નામની આડ લેવામાં આવે છે.
હાલ સૌરાષ્ટ્રના મહત્વના એક શહેર એવા બોટાદમાં પણ પોલીસે આવી જ એક બાતમીના આધારે આ રેડ પાડી હતી. ખાસ કરીને શહેરના ટાવર રોડ પર આવેલા શ્રીજી મેગા મોલમાં ચાલતા બ્લુ થાઈ સ્પામાં દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે દરોડામાં 4 મહિલા અને 2 પુરુષો ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા. આ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાનું પણ દરોડામાં સામે આવ્યું હતું. જેથી પોલીસે સ્પાના માલિક સહિત કુલ ત્રણ શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ સ્પાના મેનેજર સહિત 2 શખ્સની અટકાયત પણ કરી છે.
મહત્વનું છે કે હાલમાં પોલીસની 0આ કામગીરીથી સ્પાના નામે ગોરખધંધા ચલાવતા સ્પા સંચાલકોમાં ફફડાટ જરૂર પેસી ગયો છે. નોંધનીય આવા મસાજ પાર્લરમાં પરપ્રાંતીય યુવતીઓને ફોસલાવી સ્પામાં તેમનું શોષણ થતું હોવાની સંભાવનાઓ પણ રહેતી હોય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ હાલના સમયમાં પ્રકાશમાં આવી છે. પહેલા અમદાવાદના સિંધુભવન રોડ પર એક નાગાલેન્ડની યુવતીને સ્પા સંચાલક દ્વારા ઢસડીને માર મારી તેના કપડા ફાડી નાખવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પછી વડોદરામાં પોતાને ત્યાં નોકરી કરતી એક યુવતી પર સ્પા સંચાલકે દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું હતું. આ સિવાય અમદાવાદના આનંદનગરમાં હાલો મોર સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાનું સામે આવતા પોલીસે દરોડા પાડ્યા હતા. આવા અનેક કિસ્સાઓ હાલના સમયમાં પ્રકાશમાં આવ્યા છે. ગુજરાતમાં ખૂણે ખૂણે પ્રસરી રહેલા આ સ્પાના દૂષણ સામે લડત આપવા માટે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હુંકાર કર્યો હતો. આથી હવે પોલીસને વિવિધ શહેરોમાં સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોવાની માહિતી મળતાં ત્યાં દરોડા પાડવામાં આવે છે.