- દિલ્હીમાં જન્મેલા તરુણ ગુલાટીએ નોંધાવી છે અપક્ષ ઉમેદવારી
- અનુભવી સીઈઓના રૂપમાં લંડનનો વહીવટ સંભાળવા માંગુ છું : તરુણ ગુલાટી
- એક પ્રોફેશનલ અને રોકાણ નિષ્ણાત તરીકેના તેમના અનુભવનો લંડનને લાભ મળી શકે છે: તરુણ
ઇંગ્લેન્ડના લંડનના મેયરપદ માટે પાકિસ્તાની મૂળના સાદિક ખાન ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. ત્રીજી મુદત માટે લંડનના મેયર બનવા તેઓ રેસમાં છે. જોકે આ વખતે તેમને ભારતીય મૂળના એક ઉમેદવાર તરફથી પડકારનો સામનો કરવો પડી શકે છે. દિલ્હીમાં જન્મેલા તરુણનું કહેવું છે કે લંડનના નાગરિકોને તમામ રાજકીય પક્ષોએ દુઃખી કર્યા છે. તેઓ એક અનુભવી સીઈઓના રૂપમાં લંડનનો વહીવટ સંભાળવા માંગે છે. સર્વેને તેનો લાભ મળી શકે છે. તેમનું કહેવું છે કે એક પ્રોફેશનલ અને રોકાણ નિષ્ણાત તરીકેના તેમના અનુભવનો લંડનને લાભ મળી શકે છે. બીજી મેના રોજ યોજાનારી મેયરપદની ચૂંટણીમાં 63 વર્ષના ભારતીય મૂળના તરુણ ગુલાટીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવ્યું છે. 13 ઉમેદવારોના પડકારનો તેઓ સામનો કરવાના છે. સિટી બેન્ક અને એચએસબીસી સાથે કામ કરતાં તેઓ છ દેશોમાં કામ કરી ચૂક્યા છે. એચએસબીસીના તેઓ આંતરરાષ્ટ્રીય પ્રબંધક (આઇએમ) હતા. તરુણ ગુલાટી કહે છે કે,’લંડનને હું એક અનોખા વૈશ્વિક શહેરના રૂપમાં જોઉં છું.
ગુલાટી સાદિક ખાનની આ નીતિઓને બદલવા માંગે છે
લેબર પાર્ટીના વર્તમાન નેતા સાદિક ખાનની કેટલીક બિનલોકપ્રિય નીતિને ખતમ કરવી તે પણ ગુલાટીના એજન્ડામાં છે. તેમાં અલ્ટ્રા લો એમિશન ઝોન( યૂએલઇઝેડ) ચાર્જ તેમ જ લો ટ્રાફિક નેબરહુડ (એલટીએન) સંબંધિત ઊંચા ખર્ચનો પણ સમાવેશ થાય છે. પોતાના સંબોધનમાં ગુલાટીએ કહ્યું હતું કે,’ મેયરના રૂપમાં હું એવી બેલેન્સશીટ તૈયાર કરવા માંગુ છું કે જેથી લંડન શહેર રોકાણ માટેનો મુખ્ય વિકલ્પ બની રહે. તમામ નિવાસી માટે સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માંગુ છું. હું લંડનને બદલવા માંગું છું.


