મધ્ય પ્રદેશના વિદિશા અને હરિયાણાના ચરખી દાદરીમાં શાળા બસ સાથે જોડાયેલા બે દર્દનાક અકસ્માતોની ખબરો સામે આવી છે, જેમાં અનેક બાળકો ઘાયલ થયા છે. મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના જોહડ ગામ પાસે એક શાળા બસ નદીમાં પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ બસમાં અંદાજે 25 બાળકો સવાર હતા. આ ઘટના સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે બાળકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
6 બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લવાયા
વિદિશા મેડિકલ કોલેજના બીએમઓ ડૉ. નારાયણના જણાવ્યા મુજબ, બપોરે 1.30 વાગ્યાની આસપાસ 6 બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આમાંથી 2 બાળકોને માથામાં ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે અન્ય બાળકોની હાલત સ્થિર છે.
હરિયાણામાં રોડવેઝ બસ સાથે ટક્કર
બીજી એક ગમગીન ઘટના હરિયાણાના ચરખી દાદરીમાં દાદરી-બિરોહડ રોડ પર બની છે, જ્યાં એક રોડવેઝ બસ અને એક ખાનગી શાળાની બસ વચ્ચે આમને-સામને જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં 11મા ધોરણની એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે, અને અન્ય 18 બાળકો ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે શાળા બસના ફુરચા ઉડી ગયા હતા. ઘાયલ બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


