એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બ્લેક મનીના પ્રવાહ પર ઘોંસ વધારતાં 44,000 ક્રિપ્ટો રોકાણકારોને ટેક્સ નોટિસ ફટકારવામાં આવી છે, ઈડીની તપાસ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)એ આ નોટિસો જારી કરી છે. આ સાથે રૂ.4,190 કરોડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ એક આરોપીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો છે, ઈડીએ અત્યાર સુધીમાં 29 આરોપીઓની ધરપકડ કરી છે અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (વીડીએ)ને લગતા કેસમાં 22 ફરિયાદો દાખલ કરવામાં આવી છે, લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
ક્રિપ્ટો સંપત્તિ માટે નિયમનકારી માળખાના અભાવ અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં વીડીએ અનિયંત્રિત છે. વીડીએના સરહદહીન માળખાને સુવ્યવસ્થિત કરવા વૈશ્વિક સહયોગની આવશ્યકતા છે. વીડીએને નિયંત્રિત કરવા માટે નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવા સંરેખિત આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ જરૂરી છે. ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ (આઈટી) દ્વારા હાથ ધરાયેલી દરોડા અને જપ્તીની કાર્યવાહી દરમિયાન સીબીડીટીએ વીડીએ વ્યવહારો દ્વારા પ્રાપ્ત થયેલી રૂ.888.82 કરોડની અઘોષિત આવક જપ્ત કરી છે. તપાસ એજન્સીઓના અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટ ઈનસાઈડ, વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઈડર્સ પાસેથી ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) ફાઈલિંગ અને આંતરિક ડેટાબેઝનો ઉપયોગ કરી ઈ-વેરિફિકેશન, પુનઃમૂલ્યાંકન અને સર્ચ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેન્દ્ર તરફથી ગૃહમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકાર ક્રિપ્ટો વ્યવહારો સાથે સંકળાયેલી કરચોરી અને બિન-રિપોર્ટેડ આવકના વારંવાર બનતા કિસ્સાથી માહિતગાર છે. વીડીએને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના દાયરામાં લાવવાથી એક્સચેન્જ અને અન્ય ક્રિપ્ટો મધ્યસ્થીઓએ સંબંધિત ભાગીદારોને જાણ કરી છે. શંકાસ્પદ અને સ્પષ્ટ વ્યવહાર અહેવાલો નાણાંકીય ગુપ્તચર શાખા (એફઆઈયુ)ને સુપરત કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આવી માહિતીને વધુ તપાસ માટે ઈન્વેસ્ટીગેશન એજન્સીઓને સોંપવામાં આવે છે. ક્રિપ્ટો હોલ્ડિંગ્સ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ અને બ્લેક મની એક્ટ જેવા અન્ય કાયદાઓ હેઠળ પણ આવે છે. આવી તપાસોને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા તપાસ એજન્સીઓ માટે નિયમિત તાલીમ, વર્કશોપ અને ડિજિટલ ફોરેન્સિક્સ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.


