શુક્રવારે 88.61ના ઐતિહાસિક તળિયે પહોંચ્યા પછી આજે યુએસ ડોલર સામે રૂપિયો રિબાઉન્ડ થઇને 41 પૈસા વધીને 89.20ની સપાટીએ બંધ રહ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા વચ્ચે બેંકોએ ડોલરનું વેચાણ કરતાં રૂપિયામાં મજબૂતાઇ જોવા મળી હતી. શુક્રવારના 88.61ના બંધ ભાવની તુલનાએ આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 15 પૈસા મજબૂત થઇને 89.46ની સપાટીએ ખુલ્યો હતો અને તે પછી ઇન્ટ્રા ડેમાં 89.05ની હાઇ અને 89.50ની લો સપાટી બનાવ્યા પછી અંતે 41 પૈસા વધીને 89.20ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન આજે ડોલર ઇન્ડેક્સ 0.02 ટકા ઘટીને 100.15 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.78 ટકા ઘટીને પ્રતિ બેરલ 62.07 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રૂપિયામાં 93 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે 8 મે, 2025 પછીનો સૌથી મોટો કડાકો છે. આટલા ઘટાડા સાથે રૂપિયાએ 89ની સપાટીથી સૌપ્રથમ વાર નીચે જઇને 89.61ની લાઇફટાઇમ લો સપાટી બનાવી હતી.


