અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદી રૂ.3,500 વધીને રૂ.1,80,000 પ્રતિ કિલોનો ભાવ થયો હતો. આમ ચાંદીએ ગત 14 ઓક્ટોબરે બનાવેલી રૂ.1,80,000 પ્રતિ કિલોની ઓલટાઇમ હાઇ સપાટી મેળવી હતી. તે પછી મંગળવારે 9 ડિસેમ્બરે ચાંદીએ ફરી તે સપાટીને મેળવી લીધી છે. જ્યારે સોનું છેલ્લા ત્રણ દિવસથી 24 કેરેટમાં 10 ગ્રામમાં રૂ.1,32,000ની સ્થિર સપાટીએ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનું 4 ડોલર ઘટીને 4,203 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 14 સેંન્ટ વધીને 58.61 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ફેબ્રુઆરી માસનો વાયદો રૂ.15 ઘટીને રૂ.1,29,947 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીમાં માર્ચ માસનો વાયદો રૂ.1,358 વધીને રૂ.1,83,100 પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 14.20 ડોલર વધીને 4,231.90 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 6.70 સેંન્ટ વધીને 59.07 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાંદીના ભાવમાં આ ઉછાળો આંતરરાષ્ટ્રીય બજારની મજબૂતી, ઔદ્યોગિક માંગમાં વૃદ્ધી અને રોકાણકારોની વધતી ખરીદીને કારણે નોંધાયો છે. બીજી તરફ સોનાનો ભાવ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર રહેતા રોકાણકારોમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં લગ્ન સિઝનને લઇને સોનાના ભાવમાં વધુ ચમક જોવા મળે તેવી શક્યતા છે.
બજારમાં હાલ રોકાણકારો ચાંદીના વધતા ભાવને લઇને સતર્ક રહેતા વધુ ખરીદી કરતા દેખાઇ રહ્યા છે. ચાંદીમાં ભાવ વધારાના અન્ય કારણોમાં સોલાર ઉદ્યોગની વધી રહેલી માંગ, ડોલર ઇન્ડેક્સમાં નરમાઇ, ભૂ-રાજ્કીય તણાવ અને અનિશ્ચિતતા, ભારતીય બજારમાં ફેસ્ટીવ અને લગ્ન સિઝન, રોકાણકારોની વધતી ખરીદી, પુરવઠામાં અવરોધ સહિતના પરિબળો પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં મંગળવારના સોના-ચાંદીના ભાવ : ધાત ભાવ (રૂ.માં) : ચાંદી ચોરસા – 1,80,000, સોનું 999 – 1,32,000, સોનું 995 – 1,31,700, હોલમાર્ક દાગીના – 1,29,360. (નોંધઃ સોનાના ભાવ 10 ગ્રામના, ચાંદીના કિલોના છે)
https://sandesh.com/maru-saher-maru-gaam


