રર હજારથી વધુ લોકોને સીધો લાભ – આવાગમનમા સરળતા
પ્રધાનમંત્રીના માર્ગદર્શન અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમા આંતરમાળખાકીય સુવિધાઓનુ માળખું અત્યંત સુદ્રઢ બની રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે વીજળી, રસ્તા, નેટવર્ક વગેરે જેવી સુવિધાઓ દેશના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય પ્રણાલી વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી જનતા જનાર્દનને વધુ સુવિધાસભર માળખું અર્પણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રકલ્પો પૈકીના એક એવા રાજકોટ જિલ્લાના સુપેડી-જામદાદર રોડ અને ભાવનગર જિલ્લાના તળાજાના મણારથી તરસરા રોડના લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના સુપેડીથી જામદાદર વચ્ચે નિર્માણ થયેલ સુપેડી – ચિત્રાવડ – માત્રાવડ અને જામદાદર રોડ અંદાજે રૂ. ૪૧.૬૬ કરોડના ખર્ચે ૭ મીટરની ડબલ લેન, ન્યુ સી.ડી. વર્ક અને સાઈડ સોલ્ડર્સ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
આ માર્ગ ખુલ્લો મુકાતા ૨૨ હજાર ૩૪ લોકોને સીધો લાભ થશે.આસપાસના ગામો કે જેઓ સંપૂર્ણ ખેતીવાડી સાથે સંકળાયેલ છે, તેઓને નજીકના માર્કેટિંગ યાર્ડ જેવા કે ધોરાજી, કાલાવડ,જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ વગેરે ખાતે આવાગમન કરવામાં ખૂબ સરળતા રહેશે અને કૃષિ પેદાશોનું વહન ઝડપી અને સમયસર થઈ શકશે. તો આસપાસના ગ્રામ વિસ્તારોના નાગરિકોને તબીબી સારવાર સમયસર મળી શકશે અને અન્ય કામગીરી માટે નજીકના તાલુકા મથકે જવા માટે પણ આ માર્ગથી સરળતા રહેશે લોકોના સમય અને ઇંધણનો બચાવ થશે.
જયારે તળાજા-ભાવનગર ખાતેના મણારથી ભારપરા અને ભારપરાથી પાદરી અને પાદરીથી તરસરા એમ કુલ ત્રણ તબક્કામાં બનાવવામાં આવેલો મણાર-તરસરા રોડ અંદાજે રૂ. ૨૭.૦૩ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ૫.૫૦ મીટર પહોળાઈ સાથે ૩૩ પાઈપ ડ્રેઈન, ૭ સ્લેબ ડ્રેઈન, સી. સી રોડ અને રોડ ફર્નિસિંગ સાથે તૈયાર કરવામાં આવેલ આ માર્ગ ગ્રામીણ વિસ્તારોને શહેરી વિસ્તારો સાથે જોડવા માટે ખૂબ ઉપયોગી બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને જરૂરી આંતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યું છે. દેશમા ૯ વર્ષમાં ૩ લાખ ૨૮ હજારથી વધુ કી.મી.ના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના ૩૭ કી.મી. હાઈવેનું નિર્માણ થઇ રહ્યું છે. હાઇવે સાથે મોટા શહેરો અને ગ્રામ વિસ્તારોમાં પણ ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે.
ગ્રામીણ વિસ્તારમાં લોકો માટે આરોગ્ય સંભાળ, શિક્ષણ અને રોજગારની તકો જેવી આવશ્યક સેવાઓ મેળવવા સારા રસ્તાઓ પ્રાથમિકતા છે અને પ્રધાનમંત્રીના આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે.


