આજની બદલાયેલી જીવનશૈલીમાં લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. ફકત 50 વર્ષ બાદ નહીં 25 વર્ષના યુવાનો પણ ડાયાબિટીસ અને કેન્સર બીમારીના શિકાર થાય છે. આરોગ્ય તંદુરસ્ત રાખવા સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. રોજિંદા આહારમાં પૌષ્ટીક ખોરાક સાથે પૂરતી ઊંઘ, પૂરતા પ્રમાણમાં પાણી અને હળવ કસરતની સામેલ કરવી. અત્યારે શિયાળામાં અનેક સુપરફૂડ છે જેનું સેવન કરી કેન્સર જેવી દુર્લભ બીમારીને દૂર રાખી શકો છો. લાલ રંગનું સ્વાદિષ્ટ ગાજરનું સેવન શરીરને અંદરથી મજબૂત બનાવે છે.
ગાજરનું સેવન કેન્સર બીમારી રાખશે દૂર
કેન્સર અને ડાયાબિટીસની બીમારીમાં ગાજરનું સેવન ફાયદાકારક છે. ગાજરમાં બીટા-કેરોટીન, ફાઇબર, વિટામિન A, K1, પોટેશિયમ અને વિવિધ એન્ટીઑકિસડન્ટ છે. બીટા-કેરોટીન એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે શરીરમાં વિટામિન A માં રૂપાંતરિત થાય છે. આ બીટા-કેરોટીન શરીરના કોષોને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે. ઓક્સિડેટીવ તણાવ ત્યારે થાય છે જ્યારે શરીરમાં હાનિકારક મુક્ત રેડિકલ વધે છે, જે કોષોને નુકસાન પહોંચાડે છે અને કેન્સર જેવા રોગો તરફ દોરી જાય છે. ગાજરમાં કેરોટીનોઇડ્સ અને લ્યુટીન જેવા સંયોજનો સ્વસ્થ શરીરના કોષોને જાળવવામાં મદદ કરે છે અને કેન્સરના વિકાસને ધીમું કરી શકે છે.
ગાજર ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
એક અભ્યાસ મુજબ ગાજરનું નિયમિત સેવન કરનારા લોકોમાં ફેફસાં અને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ઓછી હોય છે. ગાજર ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ગાજરમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેનો અર્થ એ થાય કે તે ધીમે ધીમે બ્લડ સુગર વધારે છે, જેનાથી બ્લડ સુગરનું સંતુલન જળવાઈ રહે છે. ફાઇબરનું પ્રમાણ પાચન ધીમું કરે છે, ગ્લુકોઝનું શોષણ ધીમું કરે છે અને બ્લડ સુગરનું સ્તર સંતુલિત રાખે છે. ગાજર જેવા ફાઇબરથી ભરપૂર શાકભાજી ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે.
જાણો ગાજરના ફાયદા
વિટામિન A થી ભરપૂર ગાજરનું સેવન આંખોની રોશની સુધારે છે. તે મેક્યુલર ડિજનરેશન જેવા ઉંમર સંબંધિત આંખના રોગો સામે પણ રક્ષણ આપે છે. નિયમિત ગાજરનો જયુસ પીવાથી ચેપ સામે લડવાની શક્તિ મળે છે રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. પાચનતંત્રને શુદ્ધ કરવામાં અને કબજિયાત દૂર કરવામાં ફાયદાકારક છે ગાજરનું સેવન. તેમાં રહેલ પોટેશિયમ અને ફાઇબર કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. વિટામિન K1 અને પોટેશિયમથી ભરપૂર ગાજરનું સેવન કરવાથી હાડકાંને મજબૂત થાય છે. કાચા ગાજર ખાવાથી વૃદ્ધાવસ્થામાં માનસિક નબળાઈ અને યાદશક્તિ સુધારવામાં મદદ કરે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


