ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં એક સામાન્ય બાબતે માથાકૂટ થયા બાદ કારચાલક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આણંદના નાવલીથી નડિયાદમાં ખરીદી કરવા આવેલા કારચાલક પર કબ્રસ્તાન ચોકડી નજીક બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો.
હોર્ન વગાડવાથી ઉશ્કેરાયા આરોપીઓ
પ્રાપ્ત માહિતી અનુસાર નાવલીના રહેવાસી અને પાણીનો પ્લાન્ટ ચલાવતા કલ્પેશભાઈ પટેલ નડિયાદના કંસારા બજારમાં વાસણની ખરીદી કરવા આવ્યા હતા.નડિયાદ કબ્રસ્તાન ચોકડી નજીક રોડ પર ચાલતા બે રાહદારીઓને કલ્પેશભાઈએ હોર્ન વગાડીને સાઇડમાંથી જવા માટે સિગ્નલ આપ્યું હતું.આ બાબતથી બંને અજાણ્યા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા.ઉશ્કેરાયેલા શખ્સોએ કારના કાચ તોડી નાખ્યા હતા અને કારચાલક કલ્પેશભાઈને માર માર્યો હતો.
સામાન્ય બાબતે માથાકૂટ થયા બાદ હુમલો
એટલું જ નહીં, હુમલો કરનારાઓએ કલ્પેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ કલ્પેશભાઈ પટેલે નડિયાદ શહેરમાં પોલીસ સ્ટેશનમાં બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નડિયાદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને, હુમલો કરનાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


