અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ જ નથી લઇ રહી. ઘણા સમયથી તેમના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપ પ્રમુખ્તા નિર્દેશાલયની રડાર પર છે. દરોડા, સંપત્તિ કબજે કરવાની કાર્યવાહી સતત ચાલી રહી છે. હવે CBI એ તેમના પુત્ર જય અનમોલ અંબાણી સહિત અન્ય લોકો સામે એક ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે.
પ્રથમ વખત અનિલ અંબાણીના પુત્ર પર કેસ
CBI એ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના ઉપરાંત રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ લિ. ના પૂર્વ CEO રવિન્દ્ર સુધાલકર અને તે સમયેના હોલ-ટાઈમ ડિરેક્ટર વિરુદ્ધ પણ આ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે અનિલ અંબાણીના પુત્ર પર કેસ નોંધાયો છે. સંપૂર્ણ કાર્યવાહી 228.06 કરોડ રૂપિયાના બેંકિંગ ફ્રોડ મામલે કરવામાં આવી છે.
CBI ને એક લેખિત ફરિયાદ મળી
મળતી માહિતી પ્રમાણે CBI ને એક લેખિત ફરિયાદ મળી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જય અનમોલ અંબાણી, રવિન્દ્ર સુધાલકર અને અન્ય અજાણ્યા લોકો, અજાણ્યા સરકારી કર્મચારીઓએ મળીને ઠગાઈ અને ક્રિમિનલ ષડયંત્ર હેઠળ પૈસાનો દુરૂપયોગ કર્યો છે.
બેંક કર્મચારીઓની વધુ પૂછપરછ થઇ શકે છે
CBI દ્વારા RHFL ના દસ્તાવેજો, લોન અકાઉન્ટ અને આંતરિક રેકોર્ડની વિગતવાર તપાસ કરવામાં આવવાની શક્યતા છે. તપાસ આગળ વધશે તો કંપનીના અધિકારીઓ અને બેંક કર્મચારીઓની વધુ પૂછપરછ પણ થઈ શકે છે. જોકે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ દ્વારા હજી સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી.


