સૌરાષ્ટ્ર-કચ્છમાં કેન્દ્ર સરકારના ૧૩૦૦૦ કર્મચારી અને પેન્શનરો
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય મજદૂર સંઘ અને રાષ્ટ્રીય વરીષ્ઠ નાગરિક મહાસંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી હસુભાઈ દવેની યાદી જણાવે છે કે તારીખ ૬ માર્ચ, ૨૦૨૬ના રોજ “રાજકોટ સેન્ટ્રલ ગર્વમેન્ટ પેન્શનર્સ એશોસિયેશન” રાજકોટના પ્રમુખ કિશોરસિંહ એન. જાડેજા અને કમીટી સભ્યોએ રાજકોટમાં CGHS મેડીકલ સેવાઓની જરૂરિયાત અંગે ભારતીય મજદૂર સંઘના અગ્રણી હસુભાઈ દવે સાથે બેઠક કરી હતી.
રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના કેન્દ્ર સરકારમાં કાર્યરત અને નિવૃત કર્મચારીઓ માટે આ સેવા રાજકોટમાં મળે એ અત્યંત આવશ્યક છે. હસુભાઈએ ખાત્રી આપી હતી કે તેઓ આ માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે. કિશોરસિંહ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લખેલ પત્રની નકલ આવેદનરૂપે આપેલ હતી.
ભારતીય મજદૂર સંઘનાં અગ્રણી હસુભાઈ દવેએ પત્રમાં આપેલ વિગતોનો અભ્યાસ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આરોગ્યમંત્રી નકાજી અને ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ પાંડેને પત્ર લખી આ સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર,સંગઠન દ્વારા સક્રિય પ્રયાસ કરી “સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના આશરે તેર હજાર (૧૩૦૦૦) કર્મચારીઓનો પ્રશ્ન હોવાથી રૂબરૂ મુલાકાત લઈ યોગ્ય કરવા અનુરોધ કરેલ છે.”
હાલમાં CGHS નો લાભ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર એમ ગુજરાતમાં અત્યારે ત્રણ જ શહેરોમાં મળે છે. જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તથા પેન્શનરોએ CGHS નો વિકલ્પ સ્વીકારેલ છે તેઓએ અમદાવાદ ઓપીડી તથા ગંભીર માંદગીમાં ડોકટરની સલાહ મુજબ જે તે હોસ્પીટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઈ સારવાર લેવાની થાય છે. ૫૫ વર્ષ પછી મેડીકલ સારવારની જરૂરત પડે છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના છેવાડાના શહેરોથી અમદાવાદ પહોંચતા ૧૦-૧૨ કલાક લાગે છે. ઈમરજન્સીમાં ઘણી મુશ્કેલીઓ તથા હાડમારી સહન કરવી પડે છે. આથી અમદાવાદને બદલે રાજકોટ સીટી ઘણું જ અનુકૂળ છે. વાહન-વ્યવહાર ઝડપથી મળી શકે છે. રાજકોટ શહેરનો કલ્પના બહારનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. એક દિવસ મેગા સીટીમાં ગણત્રી થશે. રાજકોટમાં અત્યારે તમામ સગવડતા સાથે ખાનગી હોસ્પીટલો છે. રાજ્ય સરકારની મેડીકલ કોલેજ છે. એઈમ્સ હોસ્પીટલ આવતાં પાંચ વર્ષમાં સંપુર્ણ રીતે તૈયાર થઈ જશે. નવા નવા વિભાગો શરૂ થઈ ગયા છે.


