- રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું
- અયોધ્યા, ચંદ્રયાન, આતંકવાદનો ઉલ્લેખ
- સંસદની નવી ઇમારત એક ભારત શ્રેષ્ઠ ભારતનો અહેસાસ કરાવે છે : રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. નવી સંસદ ઇમારતમાં પહેલીવાર સંયુક્ત સત્રને સંબોધન કરતાં સરકારની 10 વર્ષની મુદતમાં થયેલા કામકાજનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું કે નવી ઇમારત એક ભારત શ્રેષ્ઠ ભારતનો અહેસાસ કરાવે છે. 74 મિનિટ સુધી આપેલા તેમણે ચંદ્રયાન-3, નારી શક્તિ વંદન કાયદો અને અયોધ્યાના રામમંદિર સહિતની તમામ સરકારી પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ રામમંદિરનો ઉલ્લેખ કરતાં જ સાંસદોએ મેજ થપથપાવીને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે રામમંદિરની આકાંક્ષા સદીઓ જૂની હતી. આ વર્ષે 22 જાન્યુઆરીના રોજ આ ઇચ્છા પણ પૂરી થઈ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ રામલલાની ઉત્સવ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. તે પ્રસંગે દેશવિદેશના આઠ હજાર અતિથિ હાજર રહ્યા હતા. અભિભાષણમાં તેમણે દેશની સંરક્ષણ, વિદેશ અને આર્થિક નીતિનો ઉલ્લેખ કર્યો હતો. નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે સરકાર વિધાયિકામાં દેશની અડધી વસતીનું પ્રતિનિધિત્વ વધારવા માટે સંકલ્પબદ્ધ છે.
જમ્મુ-કાશ્મીર અને મહિલા અનામત વિશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધતાં કહ્યું કે વર્ષ 2023 ઐતિહાસિક ઉપલબ્ધિઓથી છવાયેલું રહ્યું. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 નાબૂદી, સંસ્થાનવાદ સમયના કાયદાઓના સ્થાને આવી રહેલા નવા કાયદા, નારી વંદના અધિનિયમ સહિત સરેકારે લીધેલા અનેક પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.


