મહિલાઓનો લગ્ન કર્યા બાદનો સુખદ અનુભવ એટલે માતા બનવાનો હોય છે. મહિલા પ્રેગનન્ટ થતા પરિવારમાં આનંદનો માહોલ જોવા મળે છે. આ સમાચાર સાથે ગર્ભવતી મહિલાને લોકો જુદાજુદા સલાહસૂચનો આપવા લાગે છે. દરેક મહિલાની ઇચ્છા હોય છે કે તેની ડિલિવરી સામાન્ય થાય. આ માટે ડોક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને નિયમિત મેડિકલ ચેક અપ માટે બોલાવતા હોય છે અને જરૂરી ખોરાકનું સૂચન કરે છે. પરંતુ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાના કારણે મહિલાઓની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવે છે.
પ્રેગનન્ટ મહિલાઓમાં વધ્યું સિઝેરિયન ડિલિવરીનું ચલણ
આજકાલ મોટાભાગે પ્રેગનન્ટ મહિલાઓ સિઝેરિયન ડિલિવરી જ કરાવે છે. શું ખરેખર આ વસ્તુ એક ટ્રેન્ડ છે. કે પછી ડોક્ટરો વધુ કમાણીની લાલચમાં સિઝેરિયન ડિલિવરી કરાવે છે. કારણ કે સામાન્ય ડિલિવરી કરતા આમાં વધુ ખર્ચ આવે છે. સામાન્ય ડિલિવરીમાં, સ્ત્રીને 24 કલાકમાં હોસ્પિટલમાંથી રજા અપાય છે અને C-Sectionમાં ઓછામાં ઓછા 5 દિવસ ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં રાખવામાં આવે છે. ત્યારે વધતા જતાં સિઝેરિયન ડિલિવરીના કિસ્સાના કારણે ગર્ભવતી મહિલા અને બાળકોમાં પણ જોખમ ઉભું થયું છે. ડોક્ટરો શક્ય બને ત્યાં સુધી સામાન્ય રીતે નોર્મલ ડિલિવરીનો પ્રયાસ કરે છે. આખરે કેમ મહિલાઓની સિઝેરિયન ડિલિવરી કરાય છે તેને લઈને આજની યુવતીઓને પણ અનેક સવાલ થાય છે.
સિઝેરિયન ડિલિવરી આ સંજોગોમાં કરવાનો નિર્ણય લે છે ડોક્ટર
Health Expertએ જણાવ્યું કે ગર્ભવતી મહિલામાં થતા કેટલાક બદલાવના કારણે સિઝેરિયન ડિલિવરી એટલે C-Section કરાય છે. સગર્ભા સ્ત્રીમાં હાઈ બ્લડ પ્રેશર અથવા સ્ટ્રોકના કિસ્સામાં સિઝેરિયન ઓપરેશનનો નિર્ણય લેવા પડે છે. તેમ ના કરતા મગજની નસો ફાટી શકે છે અને લીવર અને કિડનીને નુકસાન થઈ શકે છે. જ્યારે કેટલાક કિસ્સામાં મહિલાઓની ઓછી હાઈટ પણ તેમાં જવાબદાર છે. ઓછી ઊંચાઈના કારણે પાછળનો હિપના હાડકા વધુ મજબૂત ના હોવાથી મહિલાની સામાન્ય ડિલિવરી થઈ શકતી નથી. તો વધુ પડતું રક્તસ્ત્રાવ થવાના કિસ્સા અને દવાઓના કારણે ગર્ભાશય ના ખુલતા અને બાળકના ધબકારા ઓછા હોય અથવા નાળ ગળામાં વીંટળાયેલી હોય તો C-Section કરવાનો નિર્ણય ડોક્ટરો લે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


