2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થયો. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો. તે 11000 વનડે રન પૂરા કરનાર બીજો સૌથી ઝડપી ખેલાડી બન્યો.
રોહિતે આ સિદ્ધિ મેળવવા માટે 261 ઈનિંગ્સનો સમય લીધો, જે વિરાટ કોહલી પછી બીજા ક્રમે છે, જેને ફક્ત 222 ઈનિંગ્સમાં 11000 ODI રન પૂરા કર્યા હતા.
સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
રોહિતે ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિને આ સિદ્ધિ મેળવવા માટે 276 ઈનિંગ્સ રમી હતી. રોહિત હવે ODI ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર કુલ 10મો ખેલાડી છે અને વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પછી ચોથો ભારતીય ખેલાડી છે.
તમને જણાવી દઈએ કે રોહિત હવે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં 10મા સ્થાને છે. પરંતુ તે પોતાનું સ્થાન સુધારી શકે છે કારણ કે તે નવમા ક્રમે રહેલા સૌરવ ગાંગુલીથી માત્ર 363 રન પાછળ છે, જેમના નામે 11,363 રન છે. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને વિરાટ કોહલી એકમાત્ર એક્ટિવ ક્રિકેટર છે, જ્યારે ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર 18426 રન સાથે ટોપ પર છે.
રોહિત બનાવી શકે છે વધુ એક રેકોર્ડ
જો ભારત ચાલુ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતે છે, તો રોહિત શર્મા, જે ભારતની 2007 T20 વર્લ્ડકપ, 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને 2024 ICC T20 વર્લ્ડકપ વિજેતા ટીમોનો ભાગ હતો, તે વિરાટ કોહલી સાથે ચાર ICC ઈવેન્ટ જીતનાર બીજો ભારતીય ખેલાડી બનશે. તે એમએસ ધોની પછી કેપ્ટન તરીકે બે ICC ઈવેન્ટ જીતનાર બીજો ભારતીય ખેલાડી પણ બનશે.
રોહિત શર્માએ કેચ ડ્રોપ કર્યો, અક્ષર પટેલ હેટ્રિક ચૂક્યો
આ સિવાય અક્ષર પટેલ તેના સ્પેલની પહેલી ઓવરમાં જ ઘાતક બોલિંગ કરતો જોવા મળ્યો. તેને સતત બે બોલ પર તંજીદ હસન અને મુશફિકુર રહીમને આઉટ કર્યા, પરંતુ રોહિત શર્માએ ઝાકિર અલીનો કેચ છોડી દીધો જેના કારણે અક્ષર તેની હેટ્રિક પૂર્ણ કરી શક્યો નહીં. ભારતની ફિલ્ડિંગ એટલી ખરાબ હતી કે રોહિત સિવાય હાર્દિક પંડ્યાએ પણ એક કેચ છોડ્યો. કેએલ રાહુલ વિકેટકીપિંગમાં પણ નિષ્ફળ ગયો અને તે એક મહત્વપૂર્ણ સ્ટમ્પિંગ ચૂકી ગયો.


