- 16 ઓક્ટોબરે અરબ સાગરમાં હલચલ જોવા મળશે
- 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત બનશે: અંબાલાલ
- 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે
રાજ્યમાં ચોમાસાની લગભગ વિદાય થઈ રહી છે ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. જેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય જેવું વાવાઝોડું આવી શકે છે. જેના કારણે નવરાત્રી દરમિયાન ફરી એકવાર ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
આ અંગેની માહિતીમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 16 ઓક્ટોબરે અરબ સાગરમાં હલચલ જોવા મળશે. તેમજ 18 ઓક્ટોબરે લૉ પ્રેશર બનશે. આ વચ્ચે 17 ઓક્ટોબરે ગુજરાતના વિવિધ સમુદ્ર કિનારે પવન ફુંકાશે. આ સાથે જ 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત બનશે જે બિપોરજોય જેવું શક્તિશાળી બની શકે છે અને તે આગળ વધતું જોવા મળશે. જેના કારણે 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે અને તેની અસર ગુજરાતના લગભગ તમામ સ્થાનો પર જોવા મળી શકે છે.
જ્યારે વાવાઝોડાની દિશા અંગે અંબાલાલે જણાવ્યું કે, હાલ વાવાઝોડું ક્યાં ફંટાશે તેવી આગાહી કરવી મુશ્કેલ છે પરંતુ હાલની સ્થિતિ મુજબ વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા જોવામાં આવી રહી છે. તેમજ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે ભારે વરસાદ આવી શકે છે.
જો કે વરસાદ બાદ આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં ઘટાડો આવી શકે છે. તેમાં બંગાળના ઉપસાગરમાં ભેજની અસર જોવા મળી રહી છે. આ અસરના કારણે ઉત્તર ભારતના કેટલાંક ભાગોમાં હિમવર્ષા થવાના કારણે ઠંડીનું જોર વધી શકે છે. તેમજ વઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો આવી શકે છે.