- આ વખતે વિશિષ્ટ હવામાનની સ્થિતિના કારણે ફેબ્રુ. સુધી હવાના હળવા દબાણ ઊભા થશે
- ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે જાન્યુ.ની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડીની સંભાવના
- શિયાળામાં બરાબર ઠંડી ના પડે તો તેની અસર કેટલાક શિયાળું પાક પર પડતી હોય છે
ઈસુના 2023ના વર્ષના મોસમમાં ભારે પરિવર્તન જોવા મળેલ હતું. બીપરજોય વાવાઝોડા બાદ ભારતીય વરસાદની પેટર્નમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. સાલના મજબૂત અલ નીનોની અસરનો ભારતની મોસમ ઉપર જબરો પ્રભાવ જોવા મળ્યો હતો અને હજુ પણ મે-2024 સુધી અલ નીનોનો પ્રભાવ રહેશે તેવા અવલોકનો આવે છે. આ ઉપરાંત ભારતની ઉત્તર-પશ્ચિમે જે પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તે પણ નબળા આવતા દેશમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ જોવા મળેલ હતો તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
શિયાળામાં બરાબર ઠંડી ના પડે તો તેની અસર કેટલાક શિયાળું પાક પર પડતી હોય છે. વિશેષ કરીને ઘઉં જેવા પાક ઉપર પડતી હોય છે. આ અંગે જોઈએ તો 2024ની શરૂઆતમાં જોઈએ તો આ ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતાઓ રહેવાની સંભાવનાઓ છે. જાન્યુઆરી-2024, 2 સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શકવાની શક્યતાઓ રહેશે. જાન્યુઆરી તા.4 સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતા રહેશે. જેમાં કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે. દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં થતી બરફવર્ષાના લીધે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. ડિસેમ્બર તા.27-28, વાદળવાયુ અને તા.30 ડિસેમ્બર 2023થી જાન્યુઆરીની શરૂઆતમાં અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ રહેશે. આ અરસામાં બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ પશ્ચિમી વિક્ષેપ સાથે ભળી જતા કરા સાથે કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ રહેશે.


