ભારતની ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ રવિવારે ઇન્ડોનેશિયાની ઇરીન સુકંદરને હરાવીને બીજી વાર વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. હમ્પીએ આ પહેલા 2019માં જ્યોર્જિયામાં આ સ્પર્ધા જીતી હતી. ભારતની નંબર એક મહિલા ચેસ ખેલાડી હમ્પી ચીનની ચેસ ખેલાડી જૂ વેનજુન બાદ એક કરતા વધારે વાર આ ખિતાબ જીતનારી બીજી ખેલાડી બની છે.
તે આમ કરનારી ભારતની પહેલી ખેલાડી છે. અંતિમ રાઉન્ડમાં જીત મેળવવી જરૂરી હતી. હમ્પીએ 11માંથી 8.5 પોઇન્ટ સાથે ટૂર્નામેન્ટનું સમાપન કર્યુ હતું. તે ભારતીય ગ્રાન્ડમાસ્ટર માટે એક નિર્ણાયક જીત હતી. તેને ચેમ્પિયનશિપ જીતવા માત્ર એક જ જીતની જરૂર હતી. ડ્રો અથવા હારથી તેનું સ્વપ્ન તૂટી જાત. જોકે, તેમ થયું નહોતું. રશિયાના 18 વર્ષીય વોલોદર મુર્જિને મેન્સ વર્ગમાં આ ખિતાબ જીત્યો હતો. નોદિરબેક અબ્દુસત્તોરોવ બાદ મુર્જિન બીજો સૌથી નાની વયનો એફઆઇડીઇ વર્લ્ડ રેપિડ ચેમ્પિયન છે. નોદિરબેકે 17 વર્ષની વયે આ ખિતાબ જીત્યો હતો. આ જીતની સાથે હમ્પીએ ભારતીય ચેસનો અંત શાનદાર અંદાજમાં કર્યો હતો. તેની આ સિદ્ધિ ખાસ રહી હતી. તાજેતરમાં જ સિંગાપુરમાં ક્લાસિકલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના ડી.ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવીને ખિતાબ જીત્યો હતો. હમ્પીએ રેપિડ ચેસમાં સારો દેખાવ કર્યો છે. મોસ્કોમાં 2012માં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2019માં પણ તેણે ખિતાબ જીત્યો હતો. 2023માં તે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી હતી. 2023માં તે રશિયાના અનાસ્તાસિયા બોદનારુક સામે ટાઇબ્રેકમાં ખિતાબથી ચૂકી ગઇ હતી.


