- કરાલી પોલીસે સમગ્ર બનાવને લઈ ગુનો દાખલ કર્યો
- સગીર વયની યુવતીને પ્રસૂતિ થઈ જતાં નવજાત શિશુને જન્મ આપ્યો
- નવજાત બાળકીની માતા 14 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલરાણી ગામે નવજાત બાળકી મળવાના કેસમાં પોલીસે ગણતરીમાં કલાકોમાં બે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી અને પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સગીર યુવતીને ગામના જ યુવક સાથે પ્રેમ થયો હતો.
કચરાના ઢગલામાંથી જીવિત નવજાત બાળકી મળી આવી
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાનકડા કલારાણી ગામે ગઈકાલે સવારના 9 વાગ્યાની આસપાસ પ્રાથમિક શાળાના પાછળના ભાગે કચરાના ઢગલામાંથી જીવિત નવજાત બાળકી મળી આવી હતી, જ્યારે બનાવની જાણ હોસ્પિટલને થતાં હોસ્પિટલના સ્ટાફે બાળકીને કચરામાંથી લઈને સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી
બનાવની જાણ પોલીસને કરવામાં આવતા કરાલી પોલીસે સમગ્ર બનાવને લઈ ગુનો દાખલ કર્યો હતો અને નવજાત બાળકી કોણ તરછોડી ગયું તે અંગે શોધખોળ આદરી હતી. જો કે નગરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે અને બાળકી મળવાના મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.
સગીર વયની યુવતીને પ્રસૂતિ થઈ જતાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો
સગીર વયની યુવતીને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને ગર્ભ રહી જતા પ્રસૂતિ માટે તેને કલારાણી લાવવામાં આવી હોવાનું પ્રાથમિક જાણકારી મળી છે, જો કે દવાખાનાની પાછળના ભાગમાં આ સગીર વયની યુવતીને પ્રસૂતિ થઈ જતાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો, ત્યારે પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શિશુને દવાખાનાની પાછળ કચરાના ઢગલામાં મૂકી બંને ફરાર થયા હતા.
પોલીસે પોકસો અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી
આ સમગ્ર બનાવમાં પોલીસે કલાકોમાં આરોપી અરુણ રાઠવા અને વિલાસબેન રાઠવાની ધરપકડ કરી છે, હજુ આ મામલામાં પરિવારના અન્ય કોણ કોણ ગુનેગાર છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે સગીરા સાથે શારીરિક સંબંધો કેળવનાર સામે પણ પોલીસ એક અલગથી પોકસો અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી તેની પણ ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે ત્યજી દેવાયેલ નવજાત બાળકીની જૈવિક માતા 14 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલમાં બાળકી વડોદરા હોસ્પિટલમાં છે અને બાળકીને શિશુ કેન્દ્રમાં મોકલી દેવામાં આવશે.