બાળકો મોટા થતા હોય ત્યારે માતા પિતા સાથે કે ઘરના કોઈ મોટા વ્યક્તિ સાથે બહાર આવતા જતા હોય છે. પણ ઉંમરના એક તબક્કે બાળકને ઘર તરફનો રસ્તો શોધતા શીખવવો જોઈએ. અને માત્ર ઘરે જવાનો જ નહીં, સામાન્યતઃ બાળક જે જે જગ્યાએ જતુ હોય, ઉદાહરણ તરીકે સ્કુલ, પાર્ક, કોઈ રમત ગમતની જગ્યા, કોઈ પરિચિત મિત્રનું ઘર, આપણા કોઈ પરિવારજનો કે મિત્રોનું ઘર વિગેરે.. તે દરેક જગ્યાના રસ્તાઓથી બાળકને ધીમે ધીમે પરિચિત કરાવીએ. જેથી કરીને બાળક જયારે પોતાની રીતે, એકલુ બહાર જાય, ત્યારે ઘરે આવતા સમયે એ ઘરનો રસ્તો શોધી શકે.
આ માટે બાળકને ઘરેથી બહાર લઈને જઈએ ત્યારે જ રસ્તાઓનો પરિચય કરાવતા રહેવુ. ખાસ કરીને જયારે ઘરે આવીએ ત્યારે રસ્તાઓ શોધતા શીખવવા. નાનું બાળક હોય ત્યારે ઘરે પહોંચતી વખતે જમણી બાજુ/ડાબી બાજુ વળવાનુ ક્યારે ક્યારે આવે છે, ક્યારે સીધુ જવાનુ આવે છે, આપણે રહીએ છીએ એ સોસાયટીનું શું નામ છે વિગેરે સમજાવતા જવુ, અને જયારે બહાર નીકળીએ ત્યારે બાળકને જ કહેવુ, કે, ‘આજે તો તુ બતાવે એ રસ્તે ઘરે જવુ છે.’ બાળક સાચો રસ્તો બતાવી ઘરે લઇ જાય એટલે એને બિરદાવવુ, કે, ‘આજે તો તે ઘરે પહોચવાનો રસ્તો બહુ જ સરસ રીતે બતાવ્યો.’
આ પ્રકારે રસ્તાઓનો પરિચય કરાવતા પહેલાનો તબક્કો ચાર પાંચ વર્ષની ઉંમર સુધીમાં પસાર થાય છે. પરંતુ દરેક વખતે તો ડાબી કે જમણી કે સીધી બાજુ જવાનું એ રીતે નહીં ચાલે ને! માટે જ બાળકની પાંચેક વર્ષની ઉંમર પછી, ઘરનું એડ્રેસ વ્યવસ્થિત રીતે સમજાવીને યાદ કરાવવુ. ઘર, કે ફ્લેટનું નામ, ઘર કે ફ્લેટ નંબર, ફ્લેટમાં રહેતા હોઈએ તો કેટલામાં માળ પર ફ્લેટ આવેલ છે, સોસાઇટીનું નામ, શેરી નંબર, આપણું ઘર આવેલ હોય એ વિસ્તાર વિગેરે બાળકને યાદ કરાવતા રહેવુ. ઉમરના આ તબક્કે બાળક શબ્દો લખતા શીખી ગયુ હોય છે, કે શીખતુ હોય છે. તો બાળકને ઘરનું એડ્રેસ લખાવીને પણ યાદ રખાવવુ. આપણા ઘર પર નામની તકતી લખેલ હોય છે, એ નામ પણ બાળકને વાંચતા શીખવીએ, તો એ બાળકની સમજણ માટે ઘણું સારુ.
હવે મુખ્ય વાત આવે છે, અને એ છે બાળકને ખરેખર ઘરે પહોચવા માટે ક્યા ક્યા વિસ્તારમાંથી પસાર થવાનું છે એની. એક ઉદાહરણ આપીને સમજાવુ. રાજકોટમાં જાગનાથ વિસ્તારમાં આવેલ ઘરે જવુ હોય અને બાળક રેસકોર્સ છે, તો કયો કયો વિસ્તાર પસાર કરવાનો હોય? રાજકોટમાં રહેતા લોકો જાણતા જ હોય કે આ માટે રેસકોર્સથી જીલ્લા પંચાયત ચોક થઈને, યાજ્ઞિક રોડ પરથી પસાર થઈને જાગનાથ મહાદેવના મંદિર તરફથી જવાનુ હોય છે. રાજકોટમાં જાગનાથ, વળી, જુનુ અને નવુ જાગનાથ એમ બે વિસ્તાર છે. આમ બાળકને ધીમે ધીમે આપણુ ઘર આવેલ છે એ વિસ્તાર વિષે માહિતગાર કરાવીએ. ઘરના સરનામાંથી બાળક વ્યવસ્થિત અવગત થઇ જાય એટલે માતા પિતાની કે ઘરના સભ્યોની કમ કરવાની જગ્યાના વિસ્તારથી બાળકને પરિચિત કરાવો, એની પોતાની સ્કુલના વિસ્તારથી એનો પરિચય કરાવો. ક્યારેક ક્યાંક બહાર ગયા હોઈએ અને રીક્ષામાં પાછા આવીએ છીએ, તો બાળકને જ કહો કે ઘણું સરનામુ સમજાવે, જેથી કરીને ઘરે પહોંચી શકાય. આમ ધીમે ધીમે બાળક શહેરના વિવિધ રસ્તાઓથી પરિચિત થવા લાગશે.
રસ્તાઓના પરિચયમાં પહેલા રેગ્યુલર એક જ રસ્તાથી બાળકને પરિચિત કરાવવુ, જેથી કરીને બહારથી ઘરે કે ઘરેથી કોઈ ચોક્કસ જગ્યાએ જવાનો રસ્તો બાળક ભૂલી ન જાય. રજાના દિવસે બાળકને એની સાયકલમાં લઈને થોડા નજીકના વિસ્તારથી ઘરે પહોંચવા પ્રોત્સાહિત કરીએ. આ સમય દરમિયાન આપણે તો બાળકની સાથે જ રહેવુ. આ રસ્તાઓથી બાળક સંપૂર્ણ માહિતગાર થાય એટલે એક જ જગ્યાએ જવાના અલગ અલગ રસ્તાઓ પણ હોય એ બાળકને સમજાવવુ. બાળક જેટલુ રસ્તાઓને જાણશે એટલુ જ એનો બહાર જવા માટેનો, પોતાનો આત્મવિશ્વાસ વધશે. અને એનાથી પણ વધુ, ઘરે પાછા આવતા આવડે છે એ વાત ક્યારેય એને એકલા ક્યાંય મુંઝવણ નહીં થવા દે.
ડૉ. ચારૂતા ગણાત્રા ઠકરાર
એમ.ડી.(હોમીયોપેથી)
કન્સલ્ટીંગ હોમીયોપેથ, રાજકોટ.


