- મુખ્ય આરોપીને ઝડપી લીધા બાદ પોલીસે માતા-પિતાને પણ પકડી પાડયા
- ગત તા. 11મીની રાત્રિથી સવાર સુધીમાં સાયલાના સાંગોઈનો યુવાન ભગાડી ગયો હતો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી ભગાડી જવાના બનાવો
ચોટીલા ગ્રામ્યમાં રહેતા એક પરિવારની 14 વર્ષની સગીર દિકરીને સાયલા તાલુકાના સાંગોઈ ગામનો યુવાન ભગાડીને લઈ ગયો હતો. ચોટીલા પોલીસે આ કેસમાં આરોપી અને તેને મદદગારી કરનાર તેના માતા-પિતાને ઝડપી લીધા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ચોટીલા પોલીસ મથકે આવી વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. બનાવની મળતી માહીતી મુજબ ચોટીલા તાલુકાના એક નાના એવા ગામમાં રહેતા પરીવારમાં 14 વર્ષની સગીર દીકરી છે. આ સગીરાને સાયલા તાલુકાના સાંગોઈ ગામનો રોહીત રણછોડભાઈ શેખ તા.11મી જાન્યુઆરીની રાતથી તા.12મી જાન્યુઆરીની સવાર સુધીમાં લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયો હતો. સગીરાની માતાએ આ અંગે પોકસોની કલમો સાથે સાયલા તાલુકાના સાંગોઈના રોહીત રણછોડભાઈ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા ચોટીલા પીઆઈ વી.પી.ચૌહાણની સુચનાથી સ્ટાફના પ્રતાપભાઈ, કેહાભાઈ, મયુરભાઈ સહિતનાઓએ ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સને કામે લગાડયા હતા. જેમાં સૌ પ્રથમ રોહીત શેખ અને ભોગ બનનારને ઝડપી લીધા હતા. બાદમાં યુવકની પુછપરછમાં સગીરાને ભગાડવામાં તેના માતા-પિતાએ મદદગારી કરી હોવાનું ખુલતા આરોપીની માતા હંસાબેન રણછોડભાઈ શેખ અને પિતા રણછોડભાઈ તખુભાઈ શેખની ધરપકડ કરી હતી.


