- ચૂડાના કોરડા ગામે ગયેલ વીજ ટીમને લાકડીઓ ધારણ કરી ધમકી આપી
- બે મહિલા સહિત કુલ 4 સામે ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
- ધમકી આપ્યાની ચૂડા પોલીસ મથકે નાયબ ઈજનેરે ફરિયાદ નોંધાવી છે
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના કોરડા ગામે વીજ ચેકીંગ અર્થે વીજ ટીમ પહોંચી હતી. ત્યારે બે મહિલા સહિત 4 શખ્સો હાથમાં લાકડીઓ સાથે ધસી આવીને વીજ કંપનીની ચેકીંગ માટે આવેલી ટીમને ચાલો નીકળો, અહીંયા કોઈ વીજ ચેકીંગ કરવાનું નથી. તેમ કહી ધમકી આપ્યાની ચૂડા પોલીસ મથકે નાયબ ઈજનેરે ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં મોટાપાયે વીજ ચોરી થાય છે. ત્યારે વીજ કંપનીને પણ વીજલોસ વધુ આવે છે. આથી વીજ કંપની વિવિધ ટીમ બનાવી ગ્રામ્ય પંથકમાં અવારનવાર વીજ ચેકીંગ પણ કરે છે. અને વીજ ચોરી કરતા તત્વોને દંડ ફટકારે છે. ત્યારે ચૂડા તાલુકાના કોરડામાં વીજ ટીમને ધમકીની ફરિયાદ ચૂડા પોલીસ મથકે નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મુળ જુનાગઢના અને હાલ ચૂડા સરકારી દવાખાના પાછળ રહેતા ધવલ શરદકુમાર ચોટલીયા પીજીવીસીએલ વીજ કંપનીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. તા. 6ઠ્ઠીના રોજ તેઓ ટીમ બનાવી વીજ ચેકીંગ અર્થે કોરડા પહોંચ્યા હતા. જેમાં ગામના શૈલેષ રાજાભાઈ શીહોરા, વિષ્ણુ રાજાભાઈ શીહોરા, હેમુબેન બાબુભાઈ ઉકડીયા અને લાભુબેન લાલજીભાઈ શીહોરા હાથમાં લાકડી લઈને આવ્યા હતા. અને તમો અમારા ગામમાં જ કેમ વીજ ચેકીંગ કરવા આવો છો ? તમને બીજુ કોઈ ગામ દેખાતુ નથી.? તેમ કહી અપશબ્દો કહ્યા હતા અને ચાલો નીકળો, અહીંયા કોઈ વીજ ચેકીંગ કરવાનું નથી. તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની નાયબ ઈજનેર ધવલ ચોટલીયાએ ચૂડા પોલીસ મથકે ચારેય સામે ધમકી અને ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ વી. જે. રાઠોડ ચલાવી રહ્યા છે.