- વડોદરામાં માઈગ્રેશન ઓવરસિઝમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન
- મોડીરાત સુધી હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોઈ શંકાસ્પદ ડોક્યુમેન્ટસ મળ્યા નહતા
- એજન્સીઓ ડુપ્લીકેટ ડોક્યુમેન્ટસના આધારે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટસ વિઝા આપવાની શંકા
રાજયના વિવિધ મહાનગરોમાં વિઝાનું કામ કરતી એજન્સીઓમાં સ્ટેટ સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા આજે શુક્રવારે સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. જેના ભાગરુપે અત્રેની ટીમ દ્વારા શહેરના ગેંડા સર્કલ પાસે સારાભાઈ કંપાઉન્ડમાં આવેલી માઈગ્રેશન ઓવરસિસ નામની વિઝાનું કામ કરતી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ.
સી.આઈ.ડી. ક્રાઈમની રાજયની હેડ ઓફિસમાં માહિતી મળી હતી કે, રાજયની કેટલીક એજન્સીઓ દ્વારા ડુપ્લીકેટ ડોક્યુમેન્ટસના આધારે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટસ વિઝા ઉપર વિદેશ ભણવા માટે મોકલવામાં આવે છે. જે આધારે રાજયવ્યાપી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ છે મોડીરાત સુધી હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોઈ શંકાસ્પદ ડોક્યુમેન્ટસ મળ્યા નહતા.
અત્રેની સી.આઈ.ડી.ની ટીમ દ્વારા આજે શુક્રવારે નમતી બપોરથી શહેરના ગેંડા સર્કલ પાસે, સારાભાઈ કંપાઉન્ડમાં સ્મિત બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી માઈગ્રેશન ઓવરસીઝ નામની વિઝા કન્સલટન્સીની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. સ્મિત પ્રણવભાઈ શાહની માલિકીની માઈગ્રેશન ઓવરસિઝ નામની વિઝાનું કામ કરતી કચેરીમાં મોડીરાત સુધી કોમ્પ્યુટર તેમજ હિસાબ કિતાબોની તપાસ કરવામાં આવી હતી.


