- મહેસાણા જિલ્લાની આંગણવાડીઓમાં પણ સાફસફાઈ હાથ ધરાઈ
- ગાર્બેજ ફ્રી મહેસાણા મિશન હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ કચરા રહિત બની જશે
- સંસ્થાઓમાં કૂડો-કચરો ન ફેંકાય તે માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે
મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોની શૈક્ષણિક સંસ્થાઓમાં સોમવારથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગાર્બેજ ફ્રી મહેસાણા મિશન હેઠળ શૈક્ષણિક સંસ્થાએમાં આગામી શનિવાર સુધી સળંગ છ દિવસ દરમ્યાન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે. જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓ કચરા રહિત બની જશે. સ્વચ્છતા ઝુંબેશ સાથે આ સંસ્થાઓમાં કૂડો-કચરો ન ફેંકાય તે માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. જેથી અભ્યાસ કરનાર બાળકો અને છાત્રોના સ્વાસ્થ્યની જાળવણી થઈ શકે.
મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડાની ટીમ સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલી રહેલા સ્વચ્છતા મિશનનું રિપોર્ટીંગ કરી રહી હતી. મહેસાણા જિલ્લાના દરેક તાલુકાઓમાં પ્રથમ દિવસે કેટલી આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલ, કોલેજો તેમજ યુનિવર્સિટીમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી તેના આંકડા મેળવી ગ્રામ વિકાસ એજન્સીનાં દિપીકા પટેલ અને શ્રુતિ સોલંકીએ વિગતો મેળવી હતી અને સફાઈ ઝુંબેશ સંદર્ભેના ફોટોગ્રાફસ પણ મેળવ્યા હતા. આ ઝુંબેશ સળંગ છ દિવસ સુધી ચાલશે.