- બે સપ્તાહમાં ચોથી વખત દિલ્હીનો ફેરો થયો
- અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં મહિલા ઉમેદવારની શક્યતા
- ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 15 ઉપર ઉમેદવારોના નામો જાહેર કર્યા
ગુજરાતમાં ભાજપમાંથી બાકી રહેલા લોકસભાના 11 ઉમેદવારો નક્કી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર સોમવારે બપોર પછી ફરીથી દિલ્હી પહોંચ્યા હતા. વિતેલા બે સપ્તાહમાં અમદાવાદથી દિલ્હી વચ્ચે તેમનો આ ચોથો ફેરો છે. શનિવારે રાતે કોર ગ્રુપની બેઠક બાદ રવિવારે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સ્થગિત રહેતા તેનુ સોમવારે રાતે આયોજન કરાયુ હોવાથી પ્રદેશ મોવડીઓ દિલ્હી પહોંચ્યાનું જાણવા મળ્યુ છે.
ભાજપે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 15 ઉપર ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જેમાં 10 સાંસદોને ફરીથી ટિકિટી આપવામાં આવી છે. જ્યારે રાજ્યસભાના બે સાંસદો સહિત કુલ પાંચ નવા ચહેરા લોકસભા ચૂંટણી માટે જાહેર કર્યા છે. આ 15 ઉમેદવારોમાંથી માત્ર બે જ મહિલા ઉમેદવારો હોવાથી બીજા તબક્કામાં બાકી રહેલી 11 બેઠકોમાંથી ઓછામાં ઓછા ચારથી પાંચ મતક્ષેત્રોમાં મહિલાઓને ભાજપ તક આપી શકે તેમ છે. જેમાં અમદાવાદ પુર્વ લોકસભા મતક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં ભાજપમાંથી બાકી રહેલા લોકસભાના 11 ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા અંતગર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહે એક પછી એક એમ બે વખત દિલ્હી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત હાઈકમાન્ડ સમક્ષ બેઠક યોજી હતી.


