- મુખ્યમંત્રીએ ગોરજ ગામ નજીકની સોર્સ-1 કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ 3ની મુલાકાત લીધી
- મુખ્યમંત્રીએ નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું
- મુખ્યમંત્રીએ સોર્સ-1 અને સોર્સ-3ના પ્રગતિ હેઠળના કામોની સાઈટ વિઝિટ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ રૂપિયા 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 377.65 કરોડના પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-1 કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ 3ની મુલાકાત લીધી હતી.
CMએ કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો
મુખ્યમંત્રીએ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી. મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીએ આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.
કૂલ 39 ગામની આશરે 35000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે
નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના 11,000 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાના 14 ગામ, વિરમગામ તાલુકાના 13 ગામ તથા બાવળા તાલુકાના 12 ગામ મળી નળકાંઠાના કૂલ 39 ગામની આશરે 35000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.
ફેઝ-1ની કામગીરી માટે રૂપિયા 377.65 કરોડનો ખર્ચ થવાનો અંદાજ
હાલમાં ચાલી રહેલી ફેઝ-1ની કામગીરી પૂર્ણ થતાં આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે. આ ફેઝ-1ની કામગીરી માટે રૂપિયા 377.65 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટની 65 ટકા કામગીરી પૂરી થઈ છે. ઓગસ્ટ 2025માં પ્રથમ તબક્કો પૂર્ણ થશે. રૂપિયા 1027 કરોડના બીજા તબક્કાનું કામ ચાલુ વર્ષના અંતમાં શરૂ થશે. મુખ્યમંત્રીની આ મુલાકાત વખતે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનુ પટેલ, નર્મદા નિગમના ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


