- દિલ્હીમાં 24 ટ્રેન લેટ
- તામિલનાડુમાં વરસાદના સંકેત
- 10 રાજ્યોમાં દિવસની શરૂઆત ગાઢ ધુમ્મસથી થતા ટ્રાફિકને અસર પહોંચી
મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું છે. પંજાબ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ગુરુવારે દિવસ દરમિયાન પણ કડકડતી ઠંડી પડી હતી. માઉન્ટ આબુ ખાતે તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તેને કારણે અહીં રસ્તા પર બરફ પડયો છે. દેશના 10 રાજ્યોમાં દિવસની શરૂઆતથી ગાઢ ધુમ્મસ છવાયો હતો. તેમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, ત્રિપુરા,જમ્મુ કાશ્મીર, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, બિહાર, આસામ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ગાઢ ધુમ્મસને કારણે પંજાબના ભટિંડા ખાતે વિઝિબિલિટી શૂન્ય નોંધાઇ હતી. ગાઢ ધુમ્મસને કારણે 24 ટ્રેન વિલંબથી દોડી રહી હતી. રાજસ્થાનથી આવી રહેલી કેટલીક ટ્રેન 6 કલાક વિલંબથી દોડી રહી હતી. દક્ષિણના રાજ્યોમાં ધુમ્મસ સંબંધે એલર્ટ નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસ પ્રવર્તી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડયો.
શુક્રવાર માટે હવામાન આગાહી :
હવામાન વિભાગે જણાવ્યા મુજબ ઉત્તર ભારત અને મધ્ય ભારતના 16 રાજ્યોમાં શુક્રવારે ગાઢ ધુમ્મસનો નજારો જોવા મળી શકે છે. તેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, બિહાર, પિૃમ બંગાળ અને સિક્કિમનો સમાવેશ થાય છે. સ્કાયમેટના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન હરિયાણા, પંજાબ અને નોર્થ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે ઠંડી પડી શકે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, તેલંગાણા, કર્ણાટક અને છત્તીસગઢના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.


