મનપામાં કોંગ્રેસનો સફાયો થશેની ભવિષ્યવાણી કરનાર પૂર્વ નગરસેવકને શિસ્તભંગની નોટીસ
સાત દિવસમાં જવાબ આપવા પક્ષનો પ્રવિણ સોરાણીને આદેશ : કડક કાર્યવાહી કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસનો આંતરિક અસંતોષ સામે આવ્યો છે. મનપાના પૂર્વ નગરસેવક પ્રવિણ સોરાણીએ કોર્પોરેશનની ચૂંટણીમાં પક્ષનુ ખાતુ પણ નહી ખૂલે તેવી આગાહી કરી અને શહેરના શિર્શ નેતૃત્વ પર સવાલો કરતા પ્રદેશ શિસ્ત સમિતિના સભ્ય દ્વારા નોટીસ ફટકારી અને શિસ્ત ભંગના પગલા શા માટે ન લેવા તેનો જવાબ સાત દિવસમાં આપવા નોટીસ ફટકારવામાં આવી છે.
પ્રવીણ સોરાણી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અખબારી નિવેદનો દ્વારા પક્ષની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવી રહ્યા હતા. તેમણે શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને કદાવર નેતા ઇન્દ્રનીલ રાજગુરુ ઉપર પક્ષને “ખાનગી પેઢી” તરીકે ચલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ જશે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલી નોટિસમાં જણાવાયું છે કે, “આપ કોંગ્રેસના કાર્યકર હોવા છતાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા, અખબાર અને જાહેર સંવાદો દ્વારા પક્ષને નુકસાન થાય તેવા અવારનવાર નિવેદનો કરો છો. જેનાથી પક્ષની છબી ખરડાય છે અને સમાજમાં પક્ષ માટે ખોટી છાપ ઉભી થાય છે. આપના દ્વારા આ રીતનું વર્તન કરવામાં આવે તે અસહ્ય છે અને શિસ્તભંગ છે. ત્યારે તમારી સામે શા માટે શિસ્તભંગનાં પગલાં ન લેવા તેનો 7 દિવસમાં ખુલાસો કરશો.”
પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં રહીને સોશિયલ મીડિયા કે ચોથી જાગીર દ્વારા પક્ષની છબી ખરડાય તેવા નિવેદન આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત અમારા નેતા પ્રવીણ સોરાણીને પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હોય મને પણ તેની કોપી મળી છે. આ નોટિસમાં 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ અમારી શિસ્ત કમિટી દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


