- મારને નાઈ સમાજનું અપમાન કર્યાનો ભાજપનો આક્ષેપ
- દયાનિધિ મારન અને ભાજપના નેતાઓ વચ્ચે ફરી એકવાર શબ્દયુદ્ધ
- ભાજપનાં નેતાઓ અને મારન વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે
ડીએમકેનાં સાંસદ દયાનિધિ મારને ભાજપ આઈટી સેલનાં સભ્યોને બેરોજગાર નાઈ ગણાવતા વિવાદ જાગ્યો છે. ભાજપનાં નેતાઓ અને મારન વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. ભાજપએ આક્ષેપ કર્યો છે કે આવું કહીને મારને દેશનાં નાઈ સમાજનું અપમાન કર્યું છે. હિન્દી ભાષામાં એક એવી ઉક્તિ છે જેમાં બેકાર નાઈઓ બિલાડીઓને પકડીને તેનાં વાળ કાપતા હોય છે તેવો નિર્દેશ કરાયો છે. મારનનો આક્ષેપ છે કે ભાજપનાં આઈટી સેલનાં સભ્યો પાસે હાલ કોઈ કામ રહ્યું નથી આથી તેઓ જૂના વીડિયો ફરી વાઈરલ કરી રહ્યા છે. આ લોકો સમાજમાં હંગામો સર્જીને રાજકીય લાભ મેળવવા માગે છે. જો કે તેમની આ યુક્તિમાં તેઓ ફાવી શકશે નહીં તેમ મારને કહ્યું હતું. અગાઉ મારને કહ્યું હતું કે, યુપી, બિહારનાં લોકો તમિલનાડુમાં આવીને શૌચાલય સાફ કરે છે કારણ કે તેઓ હિન્દી ભાષી છે.
ભાજપનાં શહઝાદ પૂનાવાલાએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે મારને સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ તેમજ ઉત્તર ભારતીયો અને હિન્દીનું અપમાન કર્યા પછી હવે નાઈ સમાજનું અપમાન કર્યું છે. મારનની ટિપ્પણી દ્રમુકની જાતિવાદી માનસિકતા દર્શાવે છે.
પૂનાવાલાએ રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવ્યા
શહઝાદ પૂનાવાલાએ આ સંદર્ભમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ બાબા ખેડૂતો અને મિકેનિકો સાથે ફોટો પડાવવામાં મશગુલ છે તે અંગે આપ સૌ શું કહેશો? શું આ મહોબ્બતની દુકાનનો હિસ્સો છે?


