ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરવા શહેર કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
મો.૯૮૨૪3 ૦૦૦૦૭ પર સંપર્ક કરવા પ્રજાજનોને શહેર પ્રમુખનો અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિકાસ અને જનસેવા માટે કાર્ય કરવી જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગતું નથી. શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે અને મહાનગરપાલિકામાં કુશાસન અને ભ્રષ્ટાચારના આક્ષેપો સતત સામે આવી રહ્યા છે.
તાજેતરમાં મેયરના બાંધકામને લઈને પણ ગેરકાયદેસર બાંધકામના મુદ્દા જાહેર થયા છે, જેના કારણે શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે શહેરના પ્રથમ નાગરિક પર જ આવા આક્ષેપો થાય ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં શંકા અને અવિશ્વાસ ઉભો થાય. આ સમગ્ર પરિસ્થિતિ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં વ્યવસ્થા અને પારદર્શિતાનો ગંભીર અભાવ છે.
આ ઉપરાંત એક કોન્ટ્રાકટર પાસેથી ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર દ્વારા રૂ. 1,25,000ની માંગણી કરવામાં આવી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે અને કોન્ટ્રાક્ટરને માનસિક રીતે હેરાન કરવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચાઓ છે. આવા બનાવો દર્શાવે છે કે મહાનગરપાલિકાની અંદર કામકાજમાં કમિશન અને દબાણની સંસ્કૃતિ ઉભી થઈ રહી છે.
રાજકોટની ચોથી જાગીર એટલે કે મીડિયા દ્વારા પણ આ મુદ્દાઓ સામે લાવવામાં આવ્યા છે. છતાંય અત્યાર સુધી સત્તાધીશો તરફથી કોઈ કડક પગલાં લેવાતા દેખાતા નથી, જે ખૂબ ચિંતાજનક બાબત છે.
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું રાજકોટની જનતાને અપીલ કરું છું કે જો ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કોર્પોરેટર અથવા પદાધિકારીએ ભ્રષ્ટાચાર માટે તમારી પાસે પૈસા માંગ્યા હોય, તો તમે નિડર બનીને આગળ આવો. તમે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો અથવા સીધો મારો સંપર્ક (૯૮૨૪૩ ૦૦૦૦૭) કરી શકો છો.
ભ્રષ્ટાચાર કરનાર લોકોને ખુલ્લા પાડવા માટે જનતાનો સહકાર જરૂરી છે. આજે ઘણા નાગરિકો એવી ફરિયાદ કરે છે કે પૈસા આપ્યા વગર મહાનગરપાલિકામાં કામ થતું નથી, જે શહેર માટે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. આથી રાજકોટની જાગૃત જનતાને અપીલ છે કે આપણે બધા મળીને મહાનગરપાલિકામાં ચાલતા કુશાસન અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીએ અને શહેરને પારદર્શક અને જવાબદાર શાસન તરફ લઈ જઈએ. તેમ અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.


