જેતપુર સીટી પોલીસે શહેરના વિરાશક્તિનગર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે ૧૯૭ ગ્રામ નશીલા પદાર્થ ગાંજા સાથે એક શખ્સને ધરપકડ કરી છે.
જેતપુર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નીલેષભાઇ ડાંગરને ચોક્કસ બાતમી મળી હતી કે ધોરાજી રોડ પર આવેલી વિરાશક્તિ સોસાયટીના વિધા વિહાર એપાર્ટમેન્ટના બ્લોક નં. B-3 માં રહેતો અરમાન અલ્તાફભાઇ નાઇ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ એ.ડી પરમાર અને ટીમે બાતમીવાળા સ્થળે NDPS રેઇડ કરતા વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થની ત્વરિત ચકાસણી માટે FSL અધિકારી શ્રી પી.બી. નરવેને મોબાઈલ ફોરેન્સિક વાન સાથે બોલાવવામાં આવ્યા હતા. ફોરેન્સિક કીટ દ્વારા પ્રાથમિક પરીક્ષણ પોઝિટિવ આવતા પોલીસે આરોપી અરમાન અલ્તાફભાઇ નાઇ (ઉ.વ. ૨૧) ધરપકડ કરી તેમના વિરુદ્ધ NDPS એક્ટની કલમ ૮(સી) અને ૨૦-બી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ૧૯૭ ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિ.રૂ. ૯,૮૫૦, ગાંજાના પેકિંગ માટેની ૨૪૦ નંગ નાની-મોટી પ્લાસ્ટિકની કોથળીઓ. એક ડિજિટલ વજન કાંટો (UNITED SCALE) અને એક વીવો કંપનીનો મોબાઈલ ફોન નશો કરવા માટેની ૨ નંગ ચલમ, લાઈટ બિલ અને આધાર કાર્ડની નકલ સહિત કુલ રૂ. ૧૯,૮૫૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
નોંધનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ જેતપુર, રાજકોટ અને વડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને જી.પી. એક્ટ હેઠળના ગુનાઓમાં સંડોવાયેલો છે.


