ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો
આડેધડ પાર્કિંગથી ટ્રાફિક જામની વિકટ સ્થિતિ આરટીઓ અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે શહેરીજનોમાં ઉઠતા સવાલો
અગ્ર ગુજરાત, ધોરાજી
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના ગેલેક્સી ચોક સહિતના મુખ્ય વિસ્તારોમાં ખાનગી ટ્રાવેલ્સની બસોના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે. શહેરનો ધમધમતો ગેલેક્સી ચોક જાણે ખાનગી બસોનો કાયમી અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગેલેક્સી ચોક વિસ્તારમાં એક તરફ રસ્તા પર રખડતા આખલાઓના કારણે વાહનચાલકો પરેશાન છે, ત્યારે બીજી તરફ ખાનગી બસ સંચાલકો દ્વારા રસ્તાની વચ્ચે જ બસો ઊભી રાખી દેવામાં આવતી હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બની રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં ખાનગી ટ્રાવેલ્સ દ્વારા આડેધડ બસો પાર્ક કરવામાં આવે છે, તેની સામે જ મામલતદાર કચેરી અને ડેપ્યુટી કલેક્ટર કચેરી આવેલી છે. ઉચ્ચ અધિકારીઓની કચેરીઓની સામે જ જાહેર માર્ગ પર આડેધડ પાર્કિંગ થતું હોવા છતાં સ્થિતિ યથાવત રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે વિવિધ સરકારી કામકાજ માટે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે. પરંતુ કચેરીની સામે જ ખાનગી બસો ઊભી કરી દેવામાં આવતા અરજદારોને વાહન લઈને આવવા-જવામાં તેમજ રસ્તો પાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને તહેવારોની સીઝનમાં મુસાફરોની સંખ્યા વધતા ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા ગેલેક્સી ચોક, ખોડલધામ ચોક, જેતપુર રોડ,આવેડા ચોક અને સરદાર ચોક સહિતના વિસ્તારોમાં આડેધડ બસો પાર્ક કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ખાનગી બસોના પાર્કિંગને કારણે સામાન્ય વાહનચાલકો તો પરેશાન થાય જ છે, પરંતુ ધોરાજીની સિવિલ હોસ્પિટલ તરફ જતા ઇમરજન્સી વાહનો અને એમ્બ્યુલન્સને પણ ટ્રાફિકમાંથી પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. કટોકટીના સમયે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યો છે.
તહેવારોના ટાણે ખાનગી બસોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. જો આ પ્રકારની ફરિયાદો સાચી હોય તો આરટીઓ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી નિયમોનું ઉલ્લંઘન કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


