રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
યુવાનો! બોજ એવી રીતે ઉઠાવો કે તમારા માતા-પિતાને પણ ખ્યાલ ન આવે, કેવળ ગુરૂ જ જાણે
ભારતની આ ત્રિભુવનિય વ્યાસપીઠ વિદ્યાપીઠની મળવા આપી છે
રામ જડને ચેતન કરે, ચેતનને જડ કરી શકે છે, એ બ્રહ્મ છે
અમેરિકાની જગપ્રસિધ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના પરિસરમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ ગુરૂપ્રસાદ’ના પાંચમા દિવસે (ગઇકાલે) કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતાં બાપુએ કહ્યું કે ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રામકથા કેમ? જવાબ: રામ સેતુ બંધ બનાવી શ્રીલંકા ગયા છે. સીતાની શોધમાં, રામને લંકાથી નિમંત્રણ ન્હોતું મળ્યું! પણ એ સીતા એટલે કે શાંતિની શોધમાં (ભકિતની શોધ) સેતુ બાંધીને ગયા છે. સેતુ બનાવનાર કોઇને મારે નહીં તારે. રામે કોઇને માર્યા નથી પણ તાર્યા છે. મારી વ્યાસપીઠ શાંતિ માટે આ વિદ્યાપીઠને મળવા આવી છે. રામ પથ્થર લઇને સેતુ બનાવે છે અને હું પોથી લઇને સેતુ બનાવું છું. આજની મોર્ડન દુનિયા સેતુ તોડી રહી છે, ધનુષ તોડો, સેતુ ન તોડો! સેતુ તોડવાની માનસિકતાને કારણે જ યુધ્ધો થઇ રહ્યાં છે. રામના સેતુ કાર્યમાં નાનામાં નાના જીવથી માંડીને પર્વતોએ પણ સહકાર આપ્યો છે. ખિસકોલીએ પણ સેવા કર્યુ છે. એ વાત જાણીતી છે. હું તો મનોરથ રાખુ છું કે મને સરકાર મંજૂરી આપે તો જયાં યુધ્ધો થઇ રહ્યાં છે એ સરહદ પર રામકથા ગાન કરૂ.
હાર્વર્ડ યુનિવર્સિટીના મેનેજમેન્ટ, પ્રોફેસર અને સૂત્રધારોને વિનંતી કે જો આપના નિયમોમાં કોઇ ચૂક ન આવે તો મારે આ યુનિવર્સિટીને આપણા ભારતનાં ચાર વેદો, શ્રી રામચરિત માનસ અને વાલ્મિકીજીનું રામાયણ એ ગ્રંથો ભેટ અર્પણ કરવા છે.
સેતુ બંધ યોજના થઇ ત્યારે એ સુતોનો પ્રથમ પથ્થર કોણે સ્થાપ્યો હતો! શિલાન્યાસ કોણે કર્યો? તલગાજરડાના ખૂણાને મારા દાદાએ મને કહ્યું હતું એ અહલ્યાની શીલા હતી. અહલ્યા અચેતન હતી, રામના ચરણ સ્પર્શથી એ ચેતનમય બની. પછી એ શીલા રામજીએ લક્ષ્મણને સાચવવા આપી હતી. ત્યારે લક્ષ્મણે પ્રશ્ન ન્હોતો કર્યો! રા આજ્ઞાથી એ શીલા લક્ષ્મણ પાસે રહે છે અને સેતુબંધ વખતે રામે પ્રાયશ્ચિતરૂપે કેમ કે રામને અફસોસ હતો કે મેં એક સ્ત્રીને ચરણથી સ્પર્શ કર્યો છે. સેતુબંધ વખતે એ શીલા રામજીએ પોતાને હાથે એ પથ્થરનો શિલાન્યાસ કર્યો અને હનુમાનજીએ એ શીલા પર ‘રામ’ લખ્યું.
એક પ્રશ્ન પૂછાયો કે બાપુ, ગુરૂગૃહ અને ગૃહસ્થના ઘર વચ્ચે શું અંતર છે? જવાબ: ઘણું અંતર છે. આપણે સંસારી છીએ, ગૃહસ્થ છીએ, જયારે ગુરૂ ગૃહથી આપણને કૃપા પ્રસાદ મળે છે. કેટલાક ભેદ બતાવું… (૧) ગૃહસ્થના ઘટમાં આયાસ-પ્રયાસ હોય, સહજતા નથી હોતી. ગુરૂગૃહમાં આયાસ-પ્રયાસ નથી હોતા, સહજ હોય છે, ત્યાં વિષાદ નથી હોતો, પ્રસાદ હોય છે. આપણે સંસારીઓને આયાસ-પ્રયાસ અને વિષાદ હોય છે. (૨) આપણા ઘરમાં યંત્ર હોય છે જયારે ગુરૂગૃહમાં મહામંત્ર હોય છે (3) ગૃહસ્થના ઘરમાં વિપુલ પ્રમાણમાં સાધનો હોય છે (સાધન સંપન્ન હોય છે), જયારે ગુરૂગૃહમાં અખંત સાધના હોય છે (૪) આપણા ઘરમાં અસૂયા-એટલે કે ઇર્ષા હોય છે, ગુરૂગૃહમાં ઇર્ષા નથી હોતી, અનસૂયા હોય છે. (૫) ગૃહસ્થના ઘરમાં સ્પર્ધા હોય છે, ગુરૂગૃહમાં માત્ર શ્રધ્ધા હોય છે (૬) આપણા ઘરમાં સુખ-દુ:ખ હોય છે, ગુરૂગૃહમાં સુખ-દુ:ખ નથી હોતા, નરસિંહ મહેતા કહે છે ‘સુખ-દુ:ખ મનમાં ન આણીએ રે…’ (૭) આપણા ઘરોમાં ચિંતા હોય છે, ગુરૂગૃહ ખાલી-બિલકુલ ખાલી હોય છે. (ખાલા), આપણા જેવા સંસારીઓના ઘરમાં દીપ હોય છે જયારે ગુરૂગૃહમાં ભકિતરૂપી મણી હોય છે એ ભકિતમણીનો અજવાસ નિરંતર પથરાતો રહે છે (૧૦) આપણું ઘર સદૈવ પુરાતન છે, જયારે ગુરૂગૃહ કાયમ સનાતન હોય છે.
કથારત્નો
(૧) ઉપનિષદો ‘સત’ પર કામ કરે છે, ભગવદગીતા ‘સમ’ પર કામ કરે છે જયારે તુલસીજીનું માનસ ‘સબ’ કામ કરે છે આ ત્રણ ભારતીય ધારા છે
(૨) સાધુને અંગત કશું જ હોતું નથી, સાધુને પંગત અને સાધુ સંગત જ હોય છે
(3) રામાયણમાં સરળતાથી ભરેલી ગહનતા છે, ગોપનીય છે એના ઊંડાણને તપાસો
(૪) આજની મોર્ડન દુનિયા સેતુ તોડી રહી છે, ધનુષ તોડો, સેતુ ન તોડો!
(૫) સંસારીઓના ઘરમાં યંત્ર હોય છે, ગુરૂગૃહમાં મહામંત્ર હોય છે.


