વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો
ધો. ૫ થી ૧૨ ના હોનહાર વિદ્યાર્થીઓને ટ્રોફી, ઇનામ અને સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા
અગ્ર ગુજરાત, દીવ
શિક્ષણ અને સંસ્કારના સમન્વય થકી સમાજના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે દીવના વણાંકબારા ખાતે વડી શેરી કોળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શુભ શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કરીને કરવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં ધોરણ ૫ થી ૧૨માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને ટ્રોફી, પ્રોત્સાહક ઇનામો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડી શેરી અને કોળી સમાજના પટેલ ભરતભાઈ પ્રેમજી સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રામજીભાઈ પારસમણી તથા ડો. હરેશભાઈ ચુલાવાળાએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


