જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે ‘ઇન્ટર ક્લાસ યુથ ફેસ્ટિવલ’ યોજાયો
વિદ્યાર્થીઓમાં રહેલી કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતાને ખીલવવા કોલેજ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન; વિજેતાઓનું કરાયું સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સ્થિત જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલાત્મક પ્રતિભા અને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ‘ઇન્ટર ક્લાસ યુથ ફેસ્ટિવલ’ અંતર્ગત વિવિધ ૨૮ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અનોખી પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
યુથ ફેસ્ટિવલ અંતર્ગત ભજન, દુહા-છંદ, હાલરડું, લોકગીત, હળવું કંઠ્ય સંગીત, તબલાવાદન, વેસ્ટર્ન સોંગ (સોલો), પાદપૂર્તિ, કાવ્ય લેખન, કાવ્ય પઠન, વક્તૃત્વ, ડિબેટ, ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, કોલાજ, પોસ્ટર મેકિંગ, કાર્ટૂનિંગ, સર્જનાત્મક કારીગરી, રંગોળી, ફોટોગ્રાફી, ફોક ડાન્સ અને મિમિક્રી સહિતની કુલ ૨૮ સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી બિરદાવવામાં આવ્યા હતા. આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે કોલેજના અધ્યાપકો ડૉ. જયપાલસિંહ રાણા, પ્રા. નેહલબેન તન્ના, પ્રા. ઋતવીબેન કનારા, પ્રા. સંદીપભાઈ ચૌહાણ અને ડૉ. જીનલબેન સોલંકીએ વિશેષ સેવાઓ આપી હતી.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિબેન ગણાત્રાએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે આવી સ્પર્ધાઓમાં નિર્ભયતાથી ભાગ લેવા પ્રેરણા આપી હતી. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનાર આગામી આંતર-કોલેજ રમતગમત અને અન્ય સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કોલેજ તથા પરિવારનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી નીતિન ચૂડાસમા અને જતીન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર આયોજન અને સંકલન પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિબેન ગણાત્રાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.


